માર્ચના પહેલા અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોનું લિસ્ટ કરી શકે છે જાહેર, નબળી બેઠકો માટે ભાજપે ઘડી નવી રણનિતી

February 23, 2024

Lok Sabha Election 2024:ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારો અંગે વિચાર-મંથન વધુ તેજ કર્યું છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ આ મહિનાના અંત સુધીમાં 100 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આ ઉમેદવારો તે બેઠકો પર જાહેર કરવામાં આવશે જેને ભાજપ પોતાના માટે સૌથી મુશ્કેલ બેઠકો માની રહી છે.

ભાજપ 100 ઉમેદવારોનું લિસ્ટ કરી શકે છે જાહેર

સૂત્રોનું કહેવું છે કે, જે 100 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે . 2019ની સામાન્ય ચૂંટણીમાં આ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભાજપ આ બેઠકો પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનો બીજો પ્રયાસ એ છે કે જો આ બેઠકો માટેના ઉમેદવારોના નામ સમયસર ફાઈનલ થઈ જાય તો તેઓ પોતાના વિસ્તારોમાં વધુ સમય ફાળવી શકશે.

નબળી બેઠકો મજબુત કરવાનો પ્રયાસ

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દક્ષિણ ભારતના તમિલનાડુ, લક્ષદ્વીપ, કેરળ અને તેલંગાણા સહિતના રાજ્યોની મુલાકાત લીધી હતી. તેની પાછળની રણનીતિ એવી હતી કે ભાજપ જે વિસ્તારમાં નબળું હોય ત્યાં તેની સ્થિતિ મજબૂત કરી શકે.

ગયા વર્ષે પાર્ટીએ તેના નબળા વિસ્તારો તરીકે 160 બેઠકોની ઓળખ કરી હતી. આ બેઠકો પર ભાજપ છેલ્લા બે વર્ષથી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓને અહીં પ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેઓ અહીં મુલાકાત લઈ રહ્યા છે.

મંજૂરી બાદ યાદી થશે જાહેર

એવું માનવામાં આવે છે કે ભાજપ જે પ્રથમ યાદી જાહેર કરશે તેમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓના નામ સામેલ થઈ શકે છે. પાર્ટીના સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે યાદી બિલકુલ તૈયાર છે. કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી મળ્યા બાદ જાહેરાત કરવામાં આવશે. આ જ કારણ છે કે ભાજપે 29 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠક અગાઉ 22 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ નેતાઓની વ્યસ્તતાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી.

લોકસભા માટે ભાજપની રણનિતી

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ નબળી બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી લીધા છે. આ સિવાય તેમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વરિષ્ઠ નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા. હવે ભાજપ લોકસભા ચૂંટણીમાં પણ આ જ રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપની વ્યૂહરચના અનુસાર, અત્યાર સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા એવા ઘણા ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.

આ  પણ વાંચો :  Cadila Pharma CMD: પોલીસના સમરી રિપોર્ટ બાદ પણ Rajiv Modi ને નહી મળે રાહત, જાણો કારણ

Read More