ભુજની હવામાન વિભાગની કચેરીમાંથી ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે. ભુજ હવામાન કચેરીના ડોપ્લર રડાર ભવનના બાથરૂમમાંથી 34 હજારનો દારુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
હવામાન વિભાગની કચેરીમાંથી દારુ ઝડપાયો
ભુજ હવામાન કચેરીના ડોપ્લર રડાર ભવનના બાથરૂમમાંથી 34 હજારનો દારૂ ઝડપાયો છે. ભુજ હવામાન કચેરીનો પટાવાળો કચેરીમાં જ દારૂ સંતાડતો હતો. પટાવાળાને પોલીસે દારૂના વેચાણ સાથે રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે દરોડો પાડી હવામાન કચેરીના ડોપ્લર રડાર ભવનમાં 34 હજારની કિંમતના વિવિધ 15 બ્રાન્ડના શરાબની 51 બોટલ જપ્ત કરી છે. કેન્દ્ર સરકાર હસ્તક મહત્વપૂર્ણ વિભાગની કચેરીના પટાવાળાના કરતૂતે અન્ય કર્મચારીઓ માટે નીચા જોણું કર્યું છે.
પટ્ટાવાળો કરતો હતો વેપાર
પ્રાપ્ત જાણકારી મુજબ A ડિવિઝન પોલીસની ટીમે લાયન્સ હોસ્પિટલ નજીક આવેલી IMD કચેરી પાસે ઉભેલા રાજેશ વ્રજલાલ જોશીને ઝડપા પાડ્યો હતો. એને તેની એક્ટિવાની તપાસ કરતા તેમાંથી દારુની ત્રણ બોટલ મળી આવી હતી. જેથી તેની પૂછપરછ કરતા તેણે ડોપ્લર મોસમ રડાર ભવનની અંદર વિઝીટર ઓફિસર રુમના બાથરુમમાં અન્ય દારુની બોટલો સંતાડી રાખી હોવાનું જણાવતાં પોલીસે બાથરુમમાંથી વધુ 48 બાટલીઓ જપ્ત કરી હતી. જે બાદ પોલીસે વધુ પુછપરછ કરતા તે ભુજનો ચંદનસિંહ નામનો શખ્સ બાટલીઓ આપી જતો હોવાનું સામે જણાવ્યુ હતુ. જે બાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.