Kutch Rape Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. આરોપીઓમાં હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રીમાં માં અંબાની પૂજા કરીએ અને આ જ પર્વમાં દરરોજ દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે. નવરાત્રીના બીજા નોરતે જ વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સાથે જ સુરતના માંગરોળમાંથી પણ સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દુષ્કર્મની ઘટના ઓછી થઇ રહી નથી, ત્યારે કચ્છમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવતી પર દુષ્કર્મ અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની એટલે કે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
કચ્છના રાપરનાં આડેસરમાં ગરબી જોઈ ઘરે જતી યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 7 ઓક્ટોબરના રાત્રીના 1 વાગ્યાની આસપાસ યુવતી ગરબા જોઈને ઘરે જઈ રહી હતી. ત્યારે આડેસર ગામની સણવા ચોકડી નજીક ચક્કર આવતા ત્યાં બેઠી હતી. ત્યારે બાજુમાં આવેલા કારખાનામાં કામ કરતા વ્યક્તિએ પાણી પીવડાવવા માટે કારખાનામાં લઇ ગયો હતો. ત્યારે કારખાના માલિક પ્રવિણ રાજપૂત ત્યાં પહોંચ્યા હતા, તેમને યુવતીને રૂમમાં બંધ કરીને યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. અને યુવતીને જાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. ત્યારે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 64 અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે જ દુષ્કર્મનો બનાવ બહાર આવતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે. ગુજરાતમાં અત્યારે જંગલ રાજ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે હર્ષ સંઘવી ક્યારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે? અને દાદાની સરકારમાં મહિલાઓ ક્યારે પોતાને સુરક્ષિત અનુભવશે?