Kutch Lady Don : અત્યાર સુધીમાં અનેકવાર એવા કિસ્સા જોયા હશે કે જેમાં પોલીસે માથાભારે શખ્સોને જેલના સળિયા દેખાડ્યા હોય. પરંતુ સગા ભાઈ-બહેનોને એક સાથે ગુજસીટોકનો ગુન્હો દાખલ થયો હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. કચ્છથી આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં કચ્છ લેડી ડોન અને તેના ભાઈ બહેનો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કચ્છમાં લેડી ડોનના આતંક પર પોલીસનો સકંજો
પૂર્વ કચ્છમાં પોતાને લેડી ડોન છેલ્લા ઘણા સમયથી રિયા ગોસ્વામી, તેની બહેન આરતી ગોસ્વામી અને ભાઈ તેજસ ગોસ્વામીનો કચ્છમાં તરખાટ હતો. બેફામ વ્યાજની વસૂલાત, મોંઘી કારનો શોખ, છડેચોક સીનસપાટા અને વૈભવી લાઇફસ્ટાઇલને રિયા અને તેનાં ભાઈ-બહેને પોતાની ઓળખ બનાવી હતી. કાયદાનો તો જાણે ડર જ ન હોય તેવી રીતે અતિઆત્મવિશ્વાસમાં ફરતા હતા. એટલે પોલીસની રડારમાં આવી ગયાં હતાં.
રિયા ગોસ્વામી કેવી રીતે બની લેડી ડોન ?
એક સમયે સામાન્ય જીવન જીવતો આ પરિવાર વ્યાજખોરીના રવાડે એવો ચડ્યો કે લાખો રૂપિયાની આવક થવા લાગી. વ્યાજખોર ત્રિપુટીથી ત્રસ્ત લોકોએ ભૂતકાળમાં પોલીસને ઘણી ફરિયાદો કરી પરંતુ યેનકેન પ્રકારે ત્રણેય છૂટી જતાં હતાં. કારણ કે આ માથાભારે આરોપીઓ વકીલોની ટીમ તૈયાર જ રાખતા હતા. પણ આ વખતે ત્રણેય ભાઈ-બહેન બરાબરના ફસાઈ ચૂક્યાં છે. પહેલીવાર એવું બન્યું કે વ્યાજખોરીના કેસમાં એક જ પરિવારના 3 સભ્યો પર પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હોય.
કચ્છ પોલીસે 18 સપ્ટેમ્બર, 2020ના રોજ પઠાણી ઉઘરાણી કરી બુલેટ લૂંટી લેવાના કેસમાં રિયા અને તેના ભાઈની ધરપકડ કરી હતી. ત્યાર પછી 8 નવેમ્બર 2022ના રોજ પણ રિયાની ધરપકડ કરી થઈ હતી. તેની સામે નોંધાયેલા ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને પાસા હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવી હતી. રિયાની બેન આરતી પણ જેલવાસ ભોગવી ચૂકી છે.
વર્ષો પહેલાં આ પરિવાર અંજારમાં સામાન્ય જિંદગી જીવતો હતો. રિયાના પિતાનું અવસાન થઈ જતા તેની માતા આંગણવાડીમાં કામ કરતાં હતાં. પરંતુ વર્ષ 2016-17માં આ પરિવારે લોકોને રૂપિયા વ્યાજે આપવાનું શરૂ કર્યું. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે ગોસ્વામી પરિવારને એક ઓળખીતાએ આ કામ માટે ઉછીને રૂપિયા આપ્યા હતા. શરૂઆતના દિવસોમાં શાકભાજીના નાના વેપારી, લારી-ગલ્લાવાળાને વ્યાજે રૂપિયા આપતા હતા. જેમ કે 10 હજાર રૂપિયા આપે તો દિવસના સો-દોઢસો રૂપિયા વ્યાજ લે. જો સાંજ સુધીમાં વ્યાજના રૂપિયા ન આપે તો વ્યાજ બમણું કરી નાખે. આવી રીતે રૂટિન વ્યાજ-વટાવનો ધંધો ચાલી પડ્યો એટલે આ ભાઈ-બહેનોને ફાઇનાન્સ પેઢી ખોલવાનો વિચાર આવ્યો.
થોડાં વર્ષે પૂર્વે તેજસ ગોસ્વામીના નામે ફાઇનાન્સનું લાઇસન્સ લેવામાં આવ્યું અને અંજાર બસ સ્ટેન્ડની નજીક ભીડભાડવાળા વિસ્તારમાં રોયલ ફાઇનાન્સ નામથી ઓફિસ શરૂ કરી દીધી. આ ત્રિપુટી વસૂલાતમાં એટલી કડકાઇ વાપરતી કે કોઈ માણસ વ્યાજ ભરી ન શકે તો તેના દાગીના, રિક્ષા, કાર જે પણ હોય એ ઉપાડી લે. આ જ કારણે રિયા ગોસ્વામી અને આરતી ગોસ્વામીની ઓળખ લેડી ડોન તરીકે થવા લાગી હતી. ત્યારે તેમની દાદાગીરી વધતા પોલીસ એક્સનમાં આવી અને ત્રણે ભાઈ બહેનને ગુજસીટોકના ગુન્હામાં જેલ હવાલે કર્યા.