Kshatriya Samaj: લોકસભાની ચૂંટણી વખતે પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) વિશે કરેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો ક્ષત્રિય સમાજે રુપાલની ટિકિટ રદ કરવાની ભાજપ પાસે માંગણી કરી હતી પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજની આ માંગણી ન સ્વીકારતમાં ભાજપ સામે પણ ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો હતો પરંતુ તે વખતે ક્ષત્રિય સમાજમાં અંદરો અંદર ફાટા પડ્યા અને આ આંદોલન સફળ થયુ નહીં ત્યારે સમાજના આગેવાનોએ આ અંદોલન પર અલ્પવિરામ મુકવાની જાહેરાત કરી હતી ત્યારે હવે ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી એક વાર શરુ થવા જઈ રહ્યુ છે. ક્ષત્રિય સમાજની જે પડતર માંગણીઓ છે તેને લઈને આગામી 20 સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ફરી એક વાર અમદવાદના ગોતા ઓગણજ ખાતે આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે એકઠા થવાના છે.ત્યારે આ આંદોલન શરુ થાય તે પહેલા જ તેમાં તડા પડતા જોવા મળી રહ્યા છે. ભાવનગરના જયવીરરાજસિંહ ગોહિલે આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે.
ક્ષત્રિય સમાજ એક થાય એ પહેલા જ પડ્યા ફાંટા !
અમદાવાદમાં 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતાના રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યુ છે. આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે થશે. આ “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ “ની જવાબદારી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને આપવામાં આવી છે. અને તેમને આ જવાબદારી સ્વીકારી પણ છે. આ સાથે જ આ કાર્યક્રમ દરમિયાન જ તેઓ આ મંચના અધ્યક્ષનું પરગ્રહણ કરશે તેમ જણાવવામાં આવ્યું હતુ ત્યારે તેમના જ પરિવારના સભ્ય જયવીરરાજસિંહ ગોહિલે આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમણે મારા પરિવારના વડીલોનો ઉપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તેમ જણાવ્યું છે.
જયવીરરાજસિંહ ગોહિલે શું કહ્યું ?
જયવીરરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયમાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે, હું કોઈ સમિતિ કે સમીતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી. હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ એ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતા નો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ, ખાસ કરીને સરકારી નોકરીઓ અને ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે. સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.
મહત્વનું છે કે, ક્ષત્રિય સંમેલન પહેલા જ જયવીરરાજસિંહ ગોહિલની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે ક્ષત્રિય સમાજમાં અંદરો અંદર તડા પડવા લાગ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજનું આ આંદોલન કેટલું સફળ થાય છે અથવા તો શું નવા વિવાદ થયા તે જોવુ રહયું..