Kolkata Rape Murder Case: કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં (Kolkata RG Kar Medical College) લેડી ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાનો મામલો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ બાબતને લઈને મેડિકલ કોલેજના તબીબો સહિત રાજ્યભરના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા છતાં ડોક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી, સોમવારે સાંજે, પશ્ચિમ બંગાળના જુનિયર ડૉક્ટરોએ કહ્યું છે કે તેઓ મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે ન્યાયની માંગ કરવા માટે તેમની હડતાળ ચાલુ રાખશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ ડૉક્ટરોનો વિરોધ ચાલુ
તમને જણાવી દઈએ કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ડોક્ટરોને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પોતાના કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે જુનિયર ડોકટરોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાના નિર્દેશ હોવા છતાં, તેઓ કામ કરશે નહીં. વિરોધ કરી રહેલા ડોકટરોએ રાજ્યના આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક (DHE) ના રાજીનામાની માંગ કરી અને કહ્યું કે તેઓ મંગળવારે બપોરે સોલ્ટ લેકમાં આરોગ્ય વિભાગના મુખ્ય મથક ‘સ્વસ્થ્ય ભવન’ સુધી રેલી પણ કાઢશે.
વિરોધ કરી રહેલા ડોક્ટરોએ શું કહ્યું ?
એક વિરોધ કરી રહેલા ડૉક્ટરે તેની સંચાલક મંડળની બેઠક બાદ પીટીઆઈને કહ્યું- “અમે અમારું આંદોલન ચાલુ રાખીશું અને કામ પર પાછા ફરીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને DHE રાજીનામું આપે. અમે આવતીકાલે બપોરે સ્વાસ્થય ભવન સુધી રેલી કાઢીશું.
અમારી માંગણીઓ સંતોષવામાં આવી નથી અને મૃતકને ન્યાય મળ્યો નથી”
SCએ ડોક્ટરોને તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આપ્યો હતો નિર્દેશ
જુનિયર ડોકટરો છેલ્લા એક મહિનાથી કામ પર પરત ફર્યા નથી. અગાઉ, ડોકટરોને તાત્કાલિક કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપતાં સોમવારે તેમણે કહ્યું હતું કે ફરજના ખર્ચે વિરોધ કરી શકાય નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે વિરોધ કરી રહેલા ડૉક્ટરોને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો અને ખાતરી આપી હતી કે જો તેઓ કામ પર પાછા ફરશે તો તેમની સામે કોઈ પ્રતિકૂળ પગલાં લેવામાં આવશે નહીં .
આ પણ વાંચો : Kutch Lady Don Riya Goswami:અંજારની કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ