Kolkata Doctor Rape and murder Case:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) શનિવારે ડોક્ટરોની હડતાળ વચ્ચે વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. આ વિરોધ ગયા મહિને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા (Kolkata Doctor Rape And Murder) બાદ શરૂ થયો હતો. જેના કારણે તબીબોએ આરોગ્ય ભવનની બહાર દેખાવો કર્યા હતા અને તેમની માંગણીઓ માટે ચર્ચાની પ્રક્રિયા વારંવાર ખોરવાઈ હતી. મમતા બેનર્જી શનિવારે કોલકાતામાં તાજેતરના બળાત્કાર અને હત્યા કેસ સામે વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોની વચ્ચે પહોંચ્યા. તેમણે વિરોધીઓને કામ પર પાછા ફરવા સમજાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન ભાવનાત્મક અપીલ કરી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ડોક્ટરોની સાથે છે અને તેમની સમસ્યાઓ સમજે છે.
મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા પહોંચ્યા
મમતા બેનર્જી વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વિરોધ કરી રહેલા ડોક્ટરોને કહ્યું- “ હું તમારી પીડા સમજું છું અને તેથી જ હું તમારી સાથે છું. મને મુખ્યમંત્રી પદની ચિંતા નથી. મેં મારા વિદ્યાર્થી જીવન દરમિયાન અનેક આંદોલનોમાં પણ ભાગ લીધો છે. અમે તમારી સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “હું રાત્રે સૂઈ શકતી નથી કારણ કે તમે રસ્તા પર હતા. જો તમે લોકો કામ પર પાછા ફરો, તો હું વચન આપું છું કે હું તમારી તમામ માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીશ. તમામ પક્ષો સાથે વાતચીત થશે અને ગુનેગારોને સજા આપવામાં આવશે. હું સીબીઆઈને ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરું છું.તેમણે ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી અને ખાતરી આપી કે તેમની તમામ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. તબીબોને ન્યાય અપાવવાનું વચન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ સીબીઆઈને આ કેસમાં તપાસ ઝડપી બનાવવા વિનંતી કરશે.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, “I have come forward by leading the student movement, I have also struggled a lot in my life, I understand your struggle. I am not worried about my position. It rained all night yesterday, you were sitting here protesting, I… pic.twitter.com/uZ7dThEJ77
— ANI (@ANI) September 14, 2024
વિરોધ કરી રહેલા ડોકટરોએ શું કહ્યું ?
મુખ્યમંત્રીના સંબોધન પછી, વિરોધ કરી રહેલા ડોકટરોએ કહ્યું કે તેઓ મંત્રણા કરવાની તેમની દરખાસ્તનું સ્વાગત કરે છે, પરંતુ મીટિંગ પારદર્શક હોવી જોઈએ અને તેનું જીવંત પ્રસારણ કરવું જોઈએ. ડોકટરોએ માંગ કરી હતી કે તેઓ જે અધિકારીઓ સામે વિરોધ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
વિવાદ અને ઉકેલની આશા
આ મામલે મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ પ્રોટોકોલની વિરુદ્ધ છે, તેથી સરકારે તેનો સ્વીકાર કર્યો નથી. તેણીએ ડોકટરો સાથે વાતચીત કરવાની વિનંતી કરી અને કહ્યું કે તે ન્યાયની ખાતરી આપશે. ડોક્ટરોએ તેમની પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી, હોસ્પિટલોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવી અને કોલકાતા પોલીસ કમિશનર અને આરોગ્ય સચિવનું રાજીનામું સામેલ છે.