ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાની ઘટનાના આરોપીઓને મારમારનારા ખેડા પોલીસ પર મોટી કાર્યવાહી થઈ છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને Gujarat Highcourt એ સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 4 આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન થયું છે.
હાઈકોર્ટની સખ્ત કાર્યવાહી બાદ પોલીસકર્મીઓએ પીડિત યુવકોને વળતર ચૂકવવા કહ્યું હતું પરંતુ પીડિત યુવકોએ વળતર લેવાનો ઈનકાર કરતા કોર્ટે આ પોલીસકર્મીઓને સજા ફટકારી છે. પીડિતોના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના અસીલને વળતર નહીં પરંતુ ન્યાય જોઈએ છે.
શું છે મામલો?
ગત નવરાત્રિમાં ખેડાના ઉંધેલા ગામે ગરબામાં પથ્થરમારાની ઘટના બની જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓને ગામના જાહેર મેદાનમાં થાંભલા સાથે ઉભા રાખી લાકડીઓ વડે માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા જાહિરમીયા મલેક, મકસુદાબાનુ મલેક, સહદમીયા મલેક, સકીલમીયા મલેક અને શાહિદરાજા મલેકને જાહેરમાં થાંભલે બાંધી માર માર્યો હતો.