Kerala Landslides: કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, 24 લોકોના મોત, 100થી વધુ લોકો દટાયા

July 30, 2024

Kerala Landslides: કેરળના (Kerala ) વાયનાડમાં (Wayanad) ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન (Landslides) થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગી

ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

સેનાની ટુકડીઓ તૈનાત

દુર્ઘટનાની ગંભીરતાને જોતા, સેના તરફથી બચાવ કામગીરીની વિનંતી કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર ટુકડીઓને એકત્ર કરવામાં આવી હતી. તેમાં 122 ઇન્ફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)ની બે ટુકડીઓ અને કન્નુરમાં ડીએસસી સેન્ટરની બે ટુકડીઓનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી માટે અત્યાર સુધી તૈનાત સૈનિકોની કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં તબીબી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

કંટ્રોલ રૂમ શરુ કરાયા

વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થશે.

પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે લખ્યું છે્ કે, વાયનાડમાં જે ભૂસ્ખલન થયુ છે તેના તેઓ દુખી છે. અને તેમની સંવેદના પીડિત પરિવારો સાથે છે. અને ઈજાગ્રસ્ત લોકો જલદી સાજા થાય તેવી પ્રાથના હાલમાં તમામ અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના સીએમ સાથે વાત કરી પિનારાયી વિજયન અને ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી.

250 બચાવકર્મીઓ બચાવ કાર્યમાં જોડાયા

વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

કેરળના પાંચ જિલ્લામાં એલર્ટ જારી

રાજ્ય સરકારે 5 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીએ લખ્યું કે, વાયનાડમાં થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ વ્યથિત છું. મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ જેમને પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને ટૂંક સમયમાં સલામત સ્થળે લાવવામાં આવશે.

મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલી રહી છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરે, કંટ્રોલ રૂમની સ્થાપના કરે અને રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાયની અમને જાણ કરે.

હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વિનંતી કરીશ કે વાયનાડને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડે.

હું તમામ UDF કાર્યકરોને બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરું છું.

CMOનું નિવેદન

ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને પાસ દ્વારા રસ્તો બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.

કલેક્ટરની સરકારી કર્મચારીઓને આ સૂચના

વાયનાડ કલેકટરે સરકારી અધિકારીઓને તેમની કચેરીઓમાં હાજર રહેવા અને બચાવ અને રાહત પ્રવૃત્તિઓના સંકલનમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. કલેકટરે જણાવ્યું છે કે પૂર્વ પરવાનગી વગર કોઈએ જિલ્લો છોડવો નહિ.

આ પણ વાંચો Gir Somnath : 2 વર્ષે મળ્યો ન્યાય ! 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

Read More

Trending Video