Junagadh Heavy Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. આમ તો હવે આ સમય ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો છે. પરંતુ લાગે છે આ વર્ષે મેઘરાજા ગુજરાત પર કંઈક વધારે જ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત પર ફરી બે સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને રાજ્યના ઘણા શહેરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે જૂનાગઢમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે. જૂનાગઢમાં ખરેખર ભાદરવે ભરપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી હતી.
જૂનાગઢમાં સવારથી જ ભારે વરસાદ શરુ થઇ ગયો છે. સવારથી અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં 3.19 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે દામોદરકુંડ બે કાંઠે વહી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં વાહનો પાણીમાં તણાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા મોટાભાગનું પાણી સીધું દામોદરકુંડમાં આવ્યું હતું. જેના કારણએ દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. જૂનાગઢમાં હાલ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલીમાં વરસાદ પડી શકે છે. હવામાનશાસ્ત્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ઉપરાંત નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી (Gujarat Rain Alert) કરવામાં આવી છે.