Junagadh : ગુજરાતમાં અત્યારે અતિવૃષ્ટીનો માર છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. જેમાં ઘેડ પંથકના ખેડૂતોની હાલત તો કફોડી છે. આ વિસ્તારમાં ન તો કૃષિમંત્રી જોવા આવ્યા છે કે ન તો કંઈ સર્વે કરવા. બસ ખાલી કાંઠે બેસી છબછબીયા કરે છે. અત્યારના આ આધુનિક યુગમાં ઘેડ (Ghed) વિસ્તાર 8 થી 10 દિવસ સુધી સંપર્ક વિહોણું થઈ જાય એ વિશ્વગુરુના સપના બતાવતી, ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી અને કહેવાતી ડબલ એન્જીન સરકાર માટે કાળી લીટી સમાન છે.
મુખ્યમંત્રી સાહેબ તમને કદાચ ધ્યાનમાં નહી હોય કે ઘેડના ખેડૂતો ક્યારેય ખરીફ પાક લઈ જ શકતા નથી. તમારા ચોપડે ખાલી રવિ પાક જ નોંધાયેલો હશે. જો ખેડૂતો ખરીફ પાકની વાવણી કરે અને પુરના કારણે પાક નુકસાની જાય તો સરકાર કહી દે છે સરકારના ચોપડે ઘેડમાં ખરીફ પાક છે જ નહી. એટલે તમારે પાક વાવવાનો જ નહોતો. જૂનાગઢ (Junagadh ) જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ પાંચ તાલુકાના 65થી 70 ગામોના અંદાજે 2 લાખ 50 હજાર વસ્તી અને અંદાજે 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ (Ghed) પંથક તરીકે ઓળખાય છે. ભાદર, વેણું, ઉબેણ, ઓઝત, સાબરી, ટીલોરી, મધુવંતી, છિપરાળી આ નદીઓ ઘેડ પંથક મારફતે દરિયામાં જાય છે અને દર વર્ષે ઘેડ (Ghed) પંથકમાં કાળો કહેર વર્તાવે છે. ત્યારે આ ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાના નેતૃત્વમાં ખેડૂતોએ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. હજારો ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને પાલ આંબલિયા સહિત ખેડૂતોએ 4 માંગ સાથે કલેક્ટરને રજુઆત કરી છે. જો આ માંગો પુરી નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
ઘેડ પંથકના ખેડૂતોની માગ છે કે ઘેડ નિગમ ઉભુ કરવામાં આવે. ઘેડ પંથક માટે અલાયદુ ફંડ ફાળવવામાં આવે..ઘેડનો જે કાયમી પ્રશ્ન છે તે ઉકેલવામાં આવે. જે પાક નુકસાની થઈ છે. તેનું ઓછામાં ઓછું 500થી 600 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે.. આવી 4 માંગો સાથે આવેદન આપવામાં આવ્યું છે. પણ આ આવી માગો દર વર્ષે થાય છે. દર વર્ષે પૂર આવે છે. અને દર વર્ષે ખેડૂતોએ માથું પકડી રોવાનો વારો આવે છે. મહાનગરોમાં 10થી 15 કિલોમીટરના ફલાય ઓવર બ્રિજ તૈયાર થાય છે.
અમદાવાદ જેવા શહેરમાં લોકોના મનોરંજન માટે 40-50 હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપ થઈ શકે તો શું ઘેડ પંથકને સંપર્ક વિહોણો થતો અટકાવવા માટે અને ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન હલ કરવા માટે આ ડબલ એન્જીન સરકાર પાસે એકાદ હજાર કરોડનું ફંડ પણ નહી હોય. અહીંના અધિકારીઓ કામ કરવાના બદલે માત્ર ભષ્ટ્રાચાર કેવી રીતે થઈ શકે તેના પર જ ધ્યાન આપે છે. વિકાસ માટે કરોડો રૂપિયાના બિલો સરકારી ચોપડે ઉઘરાવાય છે પણ ઘેડ પંથકની સ્થિતી ઠેરની ઠેર છે. તો કૃષિમંત્રી રાઘવજી પટેલ કાંઠે બેસી છબછબીયા કરવા કરતા એકવાર ઘેડ પંથક જાવ ત્યાના ખેડૂતોને મળો. નવનિયુક્ત સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા ચોમાસુ સત્ર ચાલે છે તો રોજગારીની વાત સંસદમાં કરો છો તો પોરબંદરના ઘેડ પંથકનો એકાદ મુદ્દો સાંસદ તરીકે સંસદમા પણ ઉઠાવી લો.
આ પણ વાંચો : Wayanad Landslide : વાયનાડમાં મૃત્યુઆંક વધ્યો, ભૂસ્ખલનથી 63ના મોત, નૌકાદળ અને સેનાના જવાનો બચાવકાર્ય ચાલુ