Joote Maaro Andolan: મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવાજીની પ્રતિમાને (Shivaji’s statue) લઈને રાજકારણ ગરમાયું છે. NCP નેતા અને ડેપ્યુટી સીએમ અજિત પવારે (Ajit Pawar) મહાવિકાસ અઘાડીના વિરોધ પ્રદર્શન પર વળતો પ્રહાર કર્યો છે. અજિતે MVA નેતાઓને ખુલ્લો પડકાર પણ આપ્યો છે અને કહ્યું છે કે જો તમારામાં હિંમત હોય તો આગળ આવો. પછી હું બતાવીશ. શા માટે આવી છેતરપિંડી કરો છો?
મહારાષ્ટ્રમાં શિવાજીની પ્રતિમાને લઈને રાજકારણ ગરમાયું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં 26 ઓગસ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. આ પ્રતિમા માલવણ તાલુકામાં રાજકોટ કિલ્લામાં સ્થાપિત કરવામાં આવી હતી. 4 ડિસેમ્બર, 2023 ના રોજ નૌકાદળ દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રતિમા તૂટી પડતાં સરકારે તાત્કાલિક પગલાં લીધાં અને આ ઘટના માટે માફી પણ માંગી હતી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ માફી માંગી છે. PM મોદીએ પાલઘરમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ દુઃખ વ્યક્ત કરતા માફી માંગી હતી.
બે દિવસ પહેલા MVA જૂતા મારો આંદોલન કર્યું હતુ શરુ
સીએમ શિંદેએ એમ પણ કહ્યું હતુ કે, જો જરૂર પડશે તો તેઓ શિવાજી મહારાજના ચરણોને 100 વાર સ્પર્શ કરીને માફી માંગવામાં અચકાશે નહીં. દરમિયાન, વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) એ બે દિવસ પહેલા એકસાથે આવીને સરકાર સામે ‘જૂતા મારો આંદોલન’ શરૂ કર્યું હતું. દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, નાના પટોલે સહિતના MVA નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઉદ્ધવે પોતાના ચપ્પલ વડે પોસ્ટરને માર્યું હતું.
જૂતા મારો આંદોલન પર અજિત પવારનું નિવેદન
હવે આ સમગ્ર ઘટના પર અજિત પવારનું નિવેદન આવ્યું છે. બારામતીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ અમારી વિરુદ્ધ જૂતા મારો આંદોલન શરુ કર્યું છે. તેઓએ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને મારા ફોટાને ચપ્પલ વડે માર્યા હતા. તમે આ રીતે તમારા પગરખાં કેમ મારી રહ્યા છો? હિંમત હોય તો આગળ આવો. પછી હું બતાવીશ. શા માટે આવી છેતરપિંડી કરો છો?અજિત પવાર અહીં બારામતીમાં જન સન્માન યાત્રા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ડેપ્યુટી સીએમએ પૂછ્યું કે શું કોઈ સરકાર ઈચ્છશે કે આવી ઘટના બને? અજિતે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ ઈચ્છશે નહિ કે કોઈ મહાપુરુષની તૈયાર કરેલી પ્રતિમા પડી જાય. છત્રપતિ શિવાજી મહારાજ દરેકના ભગવાન છે. અમે રાજ્યની જનતાની માફી પણ માંગી છે. આ ઘટના પર રાજકારણ કરવાની જરૂર નથી. આ મામલે કોણે પણ ભૂલ કરી છે તે શોધી કાઢવામાં આવશે.