Jignesh Mevani : ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોંગ્રેસ સરકાર ભડક્યું, કહ્યું, “આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રની ચૂંટણીમાં વ્યસ્ત”, તપાસની કરી માંગ

November 12, 2024

Jignesh Mevani : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. આજે પણ અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ફ્રી કેમ્પમાં આવેલા દર્દીઓમાંથી 2ના મોત અને 19 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે જ પોલીસ તપાસ પણ હાલ ચાલુ છે. હવે આ મામલે કોંગ્રેસની પણ પ્રતિક્રિયાઓ આવી છે. અને સરકાર દ્વારા ચાલતી યોજનાઓમાં થતા કાંડને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે.

જીગ્નેશ મેવાણીએ આ મામલે શું કહ્યું ?

ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે સરકાર પર પ્રહારો કર્યા છે. અને તેમણે કહ્યું છે કે, 2022, 2023, અને અત્યારે 2024માં પણ આ પ્રકારના કાંડ થઇ રહ્યા છે. અને સરકાર આ મામલે કોઈ જ નક્કર પગલાં લેતી નથી. સરકાર જો આ મામલે કોઈ નક્કર પગલાં લેશે તો જ આ પ્રકારના કૌભાંડીઓ કાંડ કરતા પહેલા તેમને કાયદાનો ડર લાગશે. અને મારી માંગ છે કે, હસમુખ પટેલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી અને આ બધા કાંડની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

શક્તિસિંહ ગોહિલે કરી ટ્વીટ

ખ્યાતિ હોસ્પિટલના સરકારી યોજનામાં કૌભાંડમાં દર્દીઓના મૃત્યુ મામલે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કડીના 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ , 5 દર્દી ICUમાં હોવાના દુઃખદ સમાચાર છે . કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાના 2 દર્દીના મોત થઈ ગયા છે અને 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે . 2022માં પણ 3 દર્દીને સ્ટેન્ટ મુકતા એકનું મોત થયું હતું . જો એ સમયે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી હોત અને આ હોસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત . પરિવારજનો સાથે અમારી સંવેદના.

અમિત ચાવડાએ કર્યા સરકાર પર પ્રહાર

વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર અને ખાસ તો રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અત્યારે જયારે આટલો મોટો કાંડ થયો છે ત્યારે આરોગ્યમંત્રી મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આરોગ્યમંત્રી માટે ચૂંટણીનું મહત્વ વધારે છે કે ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓને મળવાનું. રાજ્યમાં સતત આ પ્રકારના કાંડ બની રહ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદમાંથી ફરી ખાનગી હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો 10 નવેમ્બરના રોજ એક ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કડીથી 19 દર્દીઓને લકઝરી બસ મારફત અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં આ 19 દર્દીમાંથી 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ 7 દર્દીઓમાંથી 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા અને 5 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ દર્દીઓની એન્જીયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. સરકારી યોજનાનો લાભ લેવા માટે આ દર્દીઓને અહીં લાવવામાં આવ્યા હતા. બંને મૃતક દર્દીઓના આયુષ્માન કાર્ડમાંથી દોઢ લાખ રૂપિયા કપાઈ ગયેલ છે.

આ પણ વાંચો : CM Yogi : ‘ખડગેજી, તમે તમારા પરિવારનું બલિદાન ભૂલી ગયા’, CM યોગીએ કોંગ્રેસ અધ્યક્ષને આપ્યો જવાબ

Read More

Trending Video