Jeniben Thummar : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નવરાત્રીના બીજા નોરતે જ વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સાથે જ સુરતના માંગરોળમાંથી અને કચ્છમાંથી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય એવું લાગી રહ્યું છે. આરોપીઓમાં હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. આરોપીઓ દુષ્કર્મ બાદ સરકારને પડકારી રહ્યા હોય, કે અમને તો કશું થવાનું નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વિપક્ષ પણ સરકાર પર દુષ્કર્મ મામલે આકરા પ્રહાર કરી રહ્યું છે. સરકાર સામે કોંગ્રેસના નેતા હવે ખુલીને સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર દુષ્કર્મ મામલે આકરા પ્રહાર કર્યા હતાં.
દુષ્કર્મ મામલે જેનીબેન ઠુમ્મરના ભાજપ પર ચાબખા
સરકારને આડે હાથ લીધી હતી. અને કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે ભાંગી પડી હોય તેવું લાગી રહ્યું છે. હવે ગુજરાતની પોલીસ દુષ્કર્મના આરોપીઓને પકડવામાં તત્પર ના હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે. તેમાં દીકરીઓને પૂજવાની હોય પણ, નવરાત્રીમાં જ બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં પાછી પડી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓએ કલકત્તાના દુષ્કર્મ વિરુદ્ધ બધા જિલ્લામાં ધરણા કર્યા હતા. પણ ગુજરાતમાં જે દુષ્કર્મ થયા તેના ઉપર ભાજપના નેતા કશું બોલતા નથી. હર્ષ સંઘવી કહે છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું બોલે છે, પણ ચરમરબંધી કોણ છે, દુષ્કર્મના કેસમાં પકડાયેલા ભાજપના નેતાઓ છે. ગુજરાતમાં મહિલા ધારાસભ્યો અને મહિલા સાંસદો છે, તે દુષ્કર્મના વિરોધમાં કંઈ બોલી રહ્યા નથી. ત્યારે ગુજરાત સરકાર દુષ્કર્મના આરોપીઓ વિરુદ્ધ દાખલો બેસે તેવી કોઈ સજા કરે તેવી માંગણી કરી હતી.
દુષ્કર્મ થયેલી દીકરીઓના પરિવારજનો હવે ન્યાય માટે ઝંખી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે હર્ષ સંઘવી ચમરબંધીને છોડવામાં નહિ આવે તેવી શેખી મારવાનું બંધ કરે અને આરોપીઓને પકડે. દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગૃહ ખાતાની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. ગૃહખાતું અને પોલીસે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે.