Jay Shah ICC Chairman: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ (Greg Barclay) 30 નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ મંગળવારે ત્રીજી મુદતની રેસમાંથી પોતાને દૂર કરી લીધા હતા, ત્યાર બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) ICCના નવા અધ્યક્ષ બની શકે છે. ICC અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના જય શાહના નિર્ણયની જાહેરાત 27 ઓગસ્ટે કરવામાં આવશે, જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે.
જય શાહ ગ્રેગ બર્કલેની જગ્યા લઈ શકે છે
અત્યારે ચર્ચા ચાલી રહી છે કે, BCCI સેક્રેટરી જય શાહ ICCના નવા અધ્યક્ષ બની શકે છે. આવી સ્થિતિમાં, જો જય શાહ ICCના નવા અધ્યક્ષ બને છે તો માત્ર 35 વર્ષની ઉંમરે શાહ ICCના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ હશે. જો કે આ અંગે હજુ સુધી BCCI અને જય શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
શાહ ICCમાં કાર્યભાર સંભાળનાર પાંચમા ભારતીય બની શકે છે
જો જય શાહ 27 ઓગસ્ટ પહેલા ઉમેદવારી નોંધાવે તો તે ચૂંટણી જીતી શકે તેવી શક્યતા છે. ચૂંટણી જીતીને તે ICCમાં ભારતનું નેતૃત્વ કરનાર પાંચમા ભારતીય બનશે. અગાઉ જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર પણ આઈસીસીમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
ICC ચૂંટણી કેવી રીતે યોજાય છે?
ICC ચૂંટણીમાં 16 સભ્ય દેશોનો સમાવેશ થાય છે જે ચૂંટણી દરમિયાન મતદાન કરવા માટે અધિકૃત છે. ઉમેદવારને જીતવા માટે 9 મતોની સાદી બહુમતી જરૂરી છે, જેનો અર્થ થાય છે 51% મતો મેળવા જોઈએ.
જો જય શાહ ICCના નવા અધ્યક્ષ બને છે, તો તેમની જગ્યાએ BCCIના સચિવની જવાબદારી કોણ લઈ શકે છે ?
અનુરાગ ઠાકુર
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરને ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનનો નોંધપાત્ર અનુભવ છે. તેઓ અગાઉ રમતગમત મંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ BCCIના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. બોર્ડમાં ઠાકુરના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને સચિવ પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. નવેમ્બરમાં જય શાહના સ્થાને અનુરાગ ઠાકુર સૌથી આગળ હોઈ શકે છે.
પ્રભતેજસિંહ ભાટિયા
આ યાદીમાં બીજા નંબરે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પ્રભતેજ સિંહ ભાટિયાનું નામ છે, જેઓ જય શાહના આઈસીસી અધ્યક્ષ બન્યા બાદ BCCI સેક્રેટરીની જવાબદારી સંભાળી શકે છે.
દેવજીત સાયકિયા
બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયાનું નામ પણ દાવેદારોમાં સામેલ છે. સાયકિયા હાલની કામગીરીથી સારી રીતે વાકેફ છે અને જો તે સચિવ બને તો જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા