Jasdan માં ભાદર નદીની સંરક્ષણ દીવાલના કામ સામે સવાલો, ભરત બોઘરાનો પત્ર વાયરલ

September 21, 2026

Jasdan ની ભાદર નદીના કાંઠે ચાલી રહેલા સંરક્ષણ દીવાલના બાંધકામને લઈને હવે સવાલો ઉઠ્યા છે. ભાજપના નેતા ડો. ભરત બોઘરાએ જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલને પત્ર લખી કામની ગુણવત્તા અને ડિઝાઇન અંગે રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

રૂ.10 કરોડના કામમાં ગુણવત્તા અંગે આક્ષેપ

ભરત બોઘરાએ પોતાના પત્રમાં આશરે રૂ.10 કરોડના ખર્ચે બની રહેલી સંરક્ષણ દીવાલના કામમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ કર્યો છે. નદીના કાંઠે બનતી આ દીવાલનું કામ લાંબા ગાળે ટકાઉ રહે તે માટે મંજૂર ડિઝાઇન અને નિર્ધારિત માપદંડો મુજબ કામગીરી થવી જરૂરી હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે.

ડિઝાઇન મુજબ કામગીરી ન થતી હોવાનો દાવો

પત્રમાં સ્થળ પર ચાલી રહેલા કામમાં મંજૂર ડિઝાઇન મુજબ કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દીવાલના બાંધકામમાં લોખંડના ઉપયોગ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ડિઝાઇનમાં દર્શાવ્યા મુજબ લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Jasdan

વિજિલન્સ તપાસની માંગ

આ સમગ્ર મામલે કામની ગુણવત્તા અને ટેક્નિકલ માપદંડોની તપાસ કરવા માટે વિજિલન્સ ટીમ મોકલવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં સ્થળ પર ચાલી રહેલી કામગીરીની ચકાસણી કરી હકીકત બહાર લાવવા તથા જો નિયમોનો ભંગ થયો હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.

તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે

હાલ ભરત બોઘરાના પત્રમાં કરવામાં આવેલા આક્ષેપોને લઈને ચર્ચા ચાલી રહી છે. આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. વિજિલન્સ અથવા સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ અને ટેક્નિકલ ચકાસણી હાથ ધરાય તો સંરક્ષણ દીવાલના બાંધકામમાં ખરેખર ડિઝાઇન અને ગુણવત્તાના માપદંડોનું પાલન થયું છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો : Rajkot માં મહિલા પોલીસ અને પદ્મિનીબા વાળા વચ્ચે જોરદાર બબાલ, બેરીકેટ ખોલવા મુદ્દે 5 લોકો સામે ફરિયાદ

Read More

Trending Video