જૂનાગઢના ચોરવાડના યુવાને ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી છે. આપઘાત કરનાર યુવાનનું નામ નીતિન પરમાર છે. આ યુવાને આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટ લખી છે. આ સુસાઈડનોટ હાલ સામે આવી છે. જેમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
ચોરવાડના યુવાને કરી આત્મહત્યા
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના ત્રણ વ્યક્તિઓએ યુવકને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી છે. મૃતક યુવક ધારાસભ્ય વિમલ ચુડાસમાનો માસીનો દીકરો હોવાની વિગતો બહાર આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મૃતક યુવકનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. સુસાઈડનોટમાં લખ્યું છે કે, ‘વિમલ કાના ચુડાસમા, સોમનાથ ધારાસભ્ય, મનુભાઈ મકનભાઈ કવા રહે. પ્રાચી અને ભનુ મકન કવા રહે. પ્રાચી. આ ત્રણ જણાના હિસાબે મને માનસિક ત્રાસ અને મને મારી નાખવાની ધમકી આવે છે, એના હિસાબે હું ફાંસો ખાઈને જીવન ટૂંકાવું છું અને મારૂ મરવાનું કારણ આ ત્રણ જણા જ છે’.
સુસાઇડ નોટમાં આ ત્રણ વ્યક્તિના નામ
(1) વિમલ કાના ચુડાસમા (ગીર સોમનાથ ધારાસભ્ય)
(2)મનુ મકન કવા (પ્રાચી)
(2)ભનુ મકન કવા (પ્રાચી) નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો
વિમલ ચુડાસમાનો આક્ષેપ
ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ છે કે, મને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે, છેલ્લા બે વર્ષથી અમે એકબીજાના સંપર્કમાં ન હતા, મૃતકનો મોબાઈલ પણ ગુમ છે.મોબાઈલ ગુમ અંગે પોલીસમાં જાણ કરાઇ છે, સુસાઇડ નોટમાં પણ શંકા ઉપજાવે તેવી રીતે લખાણ લખવામાં આવ્યું છે. ચોરવાડ હોસ્પિટલ ખાતેથી સીસીટીવી ચેક કરતા એક કાળી કારમાં યુવકની બોડીને લાવવામાં આવી હતી, મૃતકના શરીરમાં માર માર્યાના નિશાન પણ છે. મૃતક નીતિન પરમારનું મર્ડર કરવામાં આવ્યું છે તેવું ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું છે.