જામનગરમાં વિજ્યાંદશમી નિમિત્તે રાજપૂત સમાજ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ સાથે માજી મંત્રી હકુભા જાડેજા પણ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં જોડાયા હતા.
જામનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાયો
હિન્દું ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં પણ રાજપૂત સમાજ ખાતે દર વર્ષે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર શહેરના લાલ બંગલા નજીક આવેલા રાજપૂત સમાજમાં આજે વિજયાદશમીના પર્વને અનુલક્ષીને જામનગર શહેર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને જુદા જુદા શસ્ત્રોને ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો પહોંચ્યાં
જીવ માત્રનું રક્ષણ થાય તેવા ઉદ્દેશ્યથી રાજપૂતો શસ્ત્ર પૂજન કરે છે. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો તલવાર, પિસ્તોલ ,રાઇફલ, છરી ,બંધુક સહિતના શસ્ત્રોને લઈ શસ્ત્ર પૂજન કરવા પહોંચ્યા હતા. જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા વિજ્યાદશમી પર્વ પ્રસંગે વર્ષોથી પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામા આવે છે.
રાજપૂત સમાજના અગ્રણીઓ રહ્યા હાજર
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ઉપરાંત રાજપૂત સમાજના જામનગર શહેર અને જિલ્લાના અગ્રણીઓ રાજપૂત સમાજના પહેરવેશ અને ઓળખ સમી રાજાશાહી પાઘડી પહેરીને શસ્ત્ર પૂજામાં જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન સમારોહમાં રાજપૂત સમાજના અન્ય અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.