Jamnagar Flood : સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘકહેર, જામનગર અને દ્વારકામાં પૂરની પરિસ્થિતિથી ચોતરફ વિનાશ વેરાયો, બચાવ કામગીરી સતત ચાલુ

August 29, 2024

Jamnagar Flood : ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકામાં અસર પડી છે. રસ્તાઓનું ધોવાણ થઇ ગયા, ગામ અને શહેર બેટમાં પરિવર્તિત થઇ ગયા છે. ઘણા છેવાડાના ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે. અને જામનગર અને દ્વારકામાં તો સોસાયટીઓ જળમગ્ન બની છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી આફત

છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં 5-5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તાલુકાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10 ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ 7 ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકામાં 3 ઈંચથી વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ, 36 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 163 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 238 તાલુકામાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દ્વારકામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી 04 વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી.

રાજ્યમાં મોસમના વરસાદની ટકાવારી

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોHimachal Pradesh : હિમાચલમાં હવે છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હશે, વિધાનસભામાં બિલ પાસ

Read More

Trending Video