Jamnagar ના ખીમરાણામાં વેટલેન્ડના કામને લઈને વિવાદ, જાગૃત નાગરિકે RTI કરતા ખુલી સ્વચ્છ ભારત મિશનના કામની પોલ

August 5, 2026

Jamnagar જિલ્લાના ખીમરાણા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવેલા વેટલેન્ડના કામને લઈને વિવાદ ઊભો થયો છે. માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ મળેલા દસ્તાવેજો, સ્થળની સ્થિતિ અને અધિકારીઓના નિવેદનો વચ્ચે વિરોધાભાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે સમગ્ર મામલે સ્વતંત્ર અને તટસ્થ તપાસની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, ખીમરાણા ગામમાં ગટરના વહેતા પાણીના શુદ્ધિકરણ માટે વેટલેન્ડ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગામના અગ્રણી વિઠ્ઠલભાઈ માંડવીયાએ માહિતી અધિકાર હેઠળ આ યોજનાના દસ્તાવેજો મેળવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, દસ્તાવેજોમાં ગ્રામ પંચાયત કચેરી પાછળ અને કુમારશાળા નજીક એમ બે અલગ-અલગ સ્થળે વેટલેન્ડના કામ મંજૂર થયાનું દર્શાવવામાં આવ્યું છે. બંને કામ પૂર્ણ થયાના કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ સરકારી ચૂકવણાંનો પણ તેમાં ઉલ્લેખ છે.

અરજદારનો આક્ષેપ છે કે દસ્તાવેજોમાં દર્શાવાયેલા બે સ્થળોમાંથી એક સ્થળે કોઈ વેટલેન્ડનું કામ થયું જ નથી, જ્યારે બીજા સ્થળે થયેલું કામ પણ યોજના મુજબ કાર્યક્ષમ નથી. આરટીઆઈમાં એક કામ માટે અંદાજે રૂ. 2.79 લાખથી વધુનું ચૂકવણું દર્શાવાયું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

બીજી તરફ તાલુકા પંચાયતની સ્વચ્છ ભારત મિશન શાખાના એન્જિનિયર યુવરાજસિંહ જાડેજાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ખીમરાણા ગામમાં માત્ર એક જ વેટલેન્ડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને ગ્રામ પંચાયતની માંગણીને આધારે તેનું સ્થળ બદલવામાં આવ્યું હતું.

આ ઘટનામાં હવે મુખ્ય પ્રશ્ન એ ઊભો થયો છે કે જો માત્ર એક જ કામ મંજૂર થયું હતું, તો આરટીઆઈ હેઠળ આપવામાં આવેલા દસ્તાવેજોમાં બે અલગ-અલગ સ્થળોના કામ, કમ્પ્લીશન સર્ટિફિકેટ અને ચૂકવણાંનો ઉલ્લેખ કેવી રીતે નોંધાયો? બીજી તરફ, જો દસ્તાવેજોમાં દર્શાવેલી વિગતો સાચી હોય, તો સ્થળ પર કામ કેમ દેખાતું નથી? આ સવાલોના જવાબ માટે અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. હવે તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

આ પણ વાંચોSurat માં ધારાસભ્યની સામે જ મહિલા કોર્પોરેટર અને તેના પતિ પર હુમલો, બેઠકમાં મારામારીના આક્ષેપથી રાજકીય ગરમાવો

Read More

Trending Video