Jamnagar: જામનગર મહાનગરપાલિકાના (JMC) કોંગ્રેસી (Congress) કોર્પોરેટર અસલમ ખીલજી (Aslam Khilji) ફરી એક વારમાં વિવાદમાં આવ્યા છે. અસલમ ખીલજી સામે ફરી એક વાર જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ છે. જાણકારી મુજબ જામનગર શહેરમાં કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખીલજી અને મહંમદ ઉર્ફે અખ્તર પંજા સહિત બે શખ્સોએ પંદર દિવસ પહેલા યુવાનને પટ્ટણીવાડ વિસ્તારમાં કેમ આવેલ છો તેમ કહીને મારકુટ કરતાં યુવાનને મનમાં લાગી આવતાં ઘરે જઈને ફીનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાયો હતો.જે બાદ આજે કોંગી કોર્પોરેટર સહિત બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખીલજી સામે નોંધાઈ ફરિયાદ
જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખીલજીની વધુ એક વખત દબંગ ગીરી સામે આવી છે. જેમાં શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટી હુશેની ચોકમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા શાહનવાઝભાઈ શકીલભાઈ ચૌહાણ (ઉ.23) નામના યુવાન ગત તા.16 ઓગસ્ટના રોજ પટ્ટણીવાડમાં સદામ હોટલ પાસે ઝાબીરભાઈની ઓફીસ પાસે બેઠો હતો.ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર સહિતના બે શખસો બાઈક લઈને આવ્યા હતાં અને અસલમભાઈ ખીલજી અને મહમદ ઉર્ફે મમલો અખતરભાઈ પંજા નામના શખ્સોએ યુવાનને અપશબદો બોલીને અહીં પટ્ટણીવાડમાં કેમ આવેલ છો તેમ કહીને ફડાકા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર મારીને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે યુવાનને મનમાં લાગી આવતા ઘરે જઈને ફીનાઈલ પી લેતાં પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ફરિયાદ બાદ પોલીસે ધરપકડ માટે શોધખોળ આરંભી
સારવાર લીધા બાદ સારૂં થઈ જતાં તેમને રજા આપતા આજે યુવાને સીટી એ ડિવિઝન ખાતે આ મામલે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પીએસઆઈ ડી.જી.રામાનુજએ કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખીલજી તથા મહંમદ અખ્તર પંજા વિરુદ્ધ ઢીકાપાટુ,મૂઢ માર અને અપશબ્દ બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી સીટી એ પોલીસ મથકમાં કલમ 115 (2) 352, 351 (3)54 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બન્ને શખસો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે.
પહેલા પણ આપી હતી આવી ધમકી
તમને જણાવી દઈએ કે , આ પહેલી વાર નથી કે, કોંગ્રેસી કોર્પોરેટર અસલમ ખીલજીએ આવી ધમકી આપી હોય અગાઉ પણ ચૂંટણીનો ખાર રાખી વેપારી યુવાનને માર મારી પતાવી દેવાની ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે ફરી એક વાર આવી જ ધમકી આપવા મામલે કોર્પોરેટર અસલમ ખીલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.