Jammu Kashmir Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને શુક્રવારથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પાર્ટીનો ઢંઢેરો બહાર પાડશે. શાહની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત ભાજપ માટે એવા સમયે આવી છે જ્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ પડકારોનો સામનો કરી રહી છે. આ પડકારોમાં ઘણા નેતાઓ અને કાર્યકરોનો વિરોધ અને કેટલાક નેતાઓ ટિકિટ ન મળતા પાર્ટી છોડીને જતા રહે છે.
અમિત શાહ આજથી બે દિવસ જમ્મૂ અને કાશ્મીરની મુલાકાતે
અમિત શાહ બે દિવસની મુલાકાતે જમ્મુ કાશ્મીર જઇ રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમિત શાહ સાંજે 4 વાગ્યે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. બાદમાં સાંજે તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટી કાર્યકર્તાઓના પ્રતિનિધિમંડળને મળશે. આમ અમિત શાહ સત્તાવાર રીતે જમ્મુથી ભાજપના પ્રચારની શરૂઆત કરશે. તેઓ શનિવારે અહીં એક રેલીને સંબોધશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ટિકિટ વહેંચણીને લઈને ભાજપની અંદરની નારાજગીને ધ્યાનમાં રાખીને તેમની જમ્મુની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટીએ ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ટોચના નેતાઓને ત્યાં મોકલીને નુકસાનની ભરપાઈ કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. અગિયાર વિધાનસભા ક્ષેત્રો ધરાવતો જમ્મુ જિલ્લો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાર્ટીએ 2014ની ચૂંટણીમાં આમાંથી 9 બેઠકો જીતી હતી અને તેની કુલ સંખ્યા 25 થઈ ગઈ હતી.
શાહની મુલાકાત પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા
જમ્મુથી શાહના પ્રચારની શરૂઆતનો ઉદ્દેશ્ય પ્રદેશના લોકોને તેમના કલ્યાણ અને વિકાસ માટે ભાજપની પ્રતિબદ્ધતા વિશે ખાતરી આપવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે શાહની મુલાકાત પહેલા જમ્મુ અને તેની આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી છે. પલોરા ટોપ ખાતે શાહની રેલી માટે સુરક્ષાના પગલા સહિતની વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. તેમણે માહિતી આપી હતી કે આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને જરૂરી પ્રોટોકોલ અમલમાં છે.