Jammu and Kashmir- જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લામાં બિલ્લાવર ક્ષેત્રમાં સોમવારે આતંકવાદીઓએ લશ્કરી ટ્રક પર ગ્રેનેડ વડે હુમલો કરતાં સેનાના પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બિલ્લાવરના લોહાઈ મલ્હાર બ્લોકના મચ્છેડી વિસ્તારના બદનોટા ગામમાં આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ આર્મીના વાહન પર ગ્રેનેડ ફેંક્યા અને પહાડીની ટોચ પરથી તેના પર ગોળીબાર કર્યો. સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને વિસ્તારમાં અથડામણ શરૂ થઈ. સેના, CRPF અને J&K પોલીસના જવાનો દ્વારા જંગલ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
એડિશનલ ડીજીપી (જમ્મુ રેન્જ) આનંદ જૈને કહ્યું, “કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે. આતંકવાદી હુમલામાં બે જવાનો ઘાયલ થયા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.”
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં પાંચ જવાન શહીદ થયા છે.
12 જૂને કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં CRPF જવાન માર્યા ગયા અને બે પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો થયાના દિવસો બાદ જિલ્લામાં આ હુમલો થયો. ગઈ કાલે જમ્મુના રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો અને કુલગામ એન્કાઉન્ટરમાં બે જવાનોએ જીવ ગુમાવ્યો હતો. કાશ્મીરમાં છ આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સપ્તાહોમાં ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. જમ્મુનો રિયાસી જિલ્લો 9 જૂને યાત્રાળુઓની બસ પર થયેલા આતંકી હુમલાથી હચમચી ગયો હતો જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા. આ પછી 11 અને 12 જૂને ડોડા જિલ્લામાં બે આતંકી હુમલાઓ થયા હતા.
છત્તરગલ્લા ખાતે સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકવાદીઓએ હુમલો કરતાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે 12 જૂને ગંડોહ વિસ્તારમાં કોટા ટોપ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.
26 જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
હુમલાઓ બાદ, સુરક્ષા દળોએ તેમની આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી અને જિલ્લામાં ઘૂસણખોરી અને સંચાલન કરતા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ માટે પ્રત્યેકને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી.
જમ્મુના કઠુઆ જિલ્લાની પડોશમાં પંજાબના પઠાણકોટ વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યાં થોડા દિવસો પહેલા આતંકવાદીઓની હિલચાલ જોવા મળી હતી. પંજાબ સરકારે કાશ્મીર ખીણની યાત્રા દરમિયાન પઠાણકોટથી પસાર થતા અમરનાથ યાત્રીઓની સુરક્ષા કડક કરી છે.