Isudan Gadhvi : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં, શિંદે સરકારે લાડલી બેહન યોજનાની તર્જ પર રાજ્યના બેરોજગાર યુવાનો માટે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને 8000 રૂપિયા અને સ્નાતક વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. આ મામલે હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં આ પ્રકારની સહાય શરુ કરવા માંગ કરી છે.
લાડલા ભાઈ યોજનાને લઇ ગુજરાતમાં AAPના સરકાર પર પ્રહાર
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલ લાડલા ભાઈ યોજનાને લઇ સરકાર સામે માંગણી કરી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને માધ્ય પ્રદેશમાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં આ પ્રકારની યોજનાઓ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા હોઈ શકે છે. તો ગુજરાતમાં કેમ નહિ ? અમે ગુજરાત સરકારને પૂછીએ છીએ કે તમને રાજ્યની મહિલાઓ અને બેરોજગાર યુવાનોની જરા પણ ચિંતા નથી ? અને જો ચિંતા છે તો ગુજરાતમાં આ પ્રકારની યોજનાઓ ક્યારે શરુ કરવામાં આવશે ?
મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ શિંદે સરકારે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેનું કહેવું છે કે છોકરા-છોકરી વચ્ચે કોઈ તફાવત નથી અને આ યોજનાથી રાજ્યમાં બેરોજગારીનો દર ઘટશે. આ ઉપરાંત લાડલા ભાઈ યોજના હેઠળ યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટીસશીપની સાથે પૈસા પણ મળશે.
લાડલા ભાઈ યોજના ક્યારે શરૂ થશે?
મહારાષ્ટ્ર સરકારે 27 જૂને પોતાના બજેટમાં ‘લાડલી બેહન’ યોજના એટલે કે ‘મુખ્યમંત્રી મારી લડકી બેહન યોજના’ની જાહેરાત કરી હતી. બજેટમાં મહિલાઓને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું 21 થી 60 વર્ષની વયની મહિલાઓ માટે છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાણાપ્રધાન અજિત પવારે વિધાનસભામાં રાજ્યનું 2024-25નું બજેટ રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે લાડલી બેહન યોજના જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. માનવામાં આવે છે કે લાડલા ભાઈ યોજના પણ આ મહિનાથી લાગુ થઈ શકે છે.
આ પણ વાંચો : UP Train Accident : યુપીના ગોંડામાં મોટી રેલ દુર્ઘટના, દીબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા