Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી પર થયેલા અત્યાચાર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી નથી, કોર્પોરેટ કંપની છે અને તમામને સર્ટીફિકેટ વેચવાનો ઠેકો લઇ લીધો છે. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા દરમિયાન ગત 18/01/2026ના રોજ જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી અને તેમના શિષ્યો પર થયેલો અત્યાચાર હિન્દુ સમાજ અને સનાતન ધર્મ માટે ચિંતાનો વિષય છે. પોલીસ અને પ્રશાસન દ્વારા શંકરાચાર્ય અને તેમના શિષ્યોને સ્નાન કરતા રોકવામાં આવ્યા, પાલખી રોકવામાં આવી, તેમજ તેમના શિષ્યોને ચોટી પકડીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનાથી તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. શંકરાચાર્ય અને તેમના શિષ્યો સાથે થયેલ આ અત્યાચાર માત્ર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ હિન્દુ સમાજ અને સનાતન પરંપરાના સર્વમાન્ય મૂલ્યો પર થયેલો ઘોર આઘાત છે. ભાજપ હવે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના નામે એક કોર્પોરેટ કંપની બની ગઈ છે. ભાજપ ગાયમાતા, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના નામે લોકોની લાગણીઓ સાથે રમવા લાગી છે. શંકરાચાર્ય પાસે પણ હિન્દુની આસ્થાના સર્ટીફિકેટ માંગે છે ? તમે કોણ છો? તમે તમારા રાષ્ટ્રવાદનું પ્રમાણ પત્ર આપો. આમ આદમી પાર્ટીએ શંકરાચાર્ય સમર્થનમાં વિવિધ જગ્યાએ વિરોધ નોંધાવ્યો છે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતું કે RSS, બજરંગ દળ, VHP ને હું વિનંતી કરૂ છું કે આપણા શંકરાચાર્યો પર ભાજપ અત્યાચાર કરી રહ્યુ છે ત્યારે તમારે પણ એકજૂટ થઈને આ શંકરાચાર્યજીના સમર્થનમાં અવાજ ઉઠાવવો જોઈએ. આજે શંકરાચાર્ય જ એક છે, કાલે બીજા આવશે, પછી આપણે સૌએ પણ હિન્દુઓનું પ્રમાણપત્ર આપવું પડશે. આ માત્ર શંકરાચાર્ય ઉપર નહીં, આપણી હિન્દુઓની આસ્થા પર ઠેસ પહોંચી છે, ભાવી પેઢી ઉપર પણ ઠેસ પહોંચી છે. તમામ સામાજિક સંગઠનો, સાધુ સંતો, કલાકારો, સનાતન ધર્મ માનનારા તમામને વિનંતી કરું છું કે શંકરાચાર્યજીના સમર્થનમાં આપણે સૌ અવાજ ઉઠાવીએ.