Isudan Gadhavi : ઈસુદાન ગઢવીના ભાજપ અને ચૂંટણી અધિકારી પર ગંભીર આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગડબડના કર્યા આક્ષેપ

February 4, 2025

Isudan Gadhavi : સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં પણ ગરબડ કરી છે અને અમે પુરાવા સાથે વાત કરી રહ્યા છીએ. દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ અને ચૂંટણી આયોગના કેટલાક લોકો મળીને કામ કરે છે. ભાણવડ નગરપાલિકાના કિસ્સા વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ. ભાણવડમાં ભાજપ ઈચ્છી રહ્યું હતું કે, કોઈપણ રીતે તેના વિરોધમાં કોઈ ઉમેદવારો ઊભા ના કરે. તેમને ખ્યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી. તો તેમને કોંગ્રેસના લોકોને જોઈન્ટ કરાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવ્યા અને ધમકાવ્યા. હું કોઈ એક વ્યક્તિ પર ક્યારેય પર્સનલ આરોપ લગાવતો નથી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક મંત્રીના દબાણમાં એક ROએ સદંતર લોકતંત્રની હત્યા કરી છે.

Isudan Gadhavi

ગતરોજ એક મેસેજ વાયરલ થયો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય પક્ષને લઈને કેટલીક ભૂલો છે. પરંતુ ચૂંટણી પંચના ખુલાસા જોશો તો તેમાં માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ વિશે વાત કરવામાં આવી છે. છોટાઉદેપુર, સાણંદ અને ગઢડાની જે વાંધા અરજીઓ આવી તે તમામે અમને અને લેખિતમાં વાંધા અરજી આપી અને ખુલાસા માટે ટાઈમ આપ્યો. ત્યારબાદ અમારા લીગલ ટીમના સભ્યોએ તમામ પુરાવાઓ રજૂ કર્યા અને ત્યારબાદ અમારી અરજીઓ સ્વીકાર કરવામાં આવી. પરંતુ ભાણવડમાં RO દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી. કલેકટર અને ચૂંટણી નિરીક્ષક ફક્ત જોતા રહ્યા.

પહેલા સ્ક્રુટીની સમયે કોઈપણ વિવાદ ન હતો, પરંતુ મંત્રીના પુત્રએ ત્યાં જઈને ROને ડરાવ્યા. જેના કારણે ROએ અમારા ઉમેદવારો ઓફિસ છોડી ગયા તેના બાદ ફોર્મમાં વાંધો નીકાળીને ફોર્મને રદ કરવામાં આવ્યો. બીજી નગરપાલિકાઓમાં ROએ જે રીતે ખુલાસા માંગ્યા શું ભાણવડના RO તેવા ખુલાસા નહતા માંગી શકતા? તેનો મતલબ સ્પષ્ટ છે કે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે. ભાણવડમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત હતી કે અમને ઉમેદવાર નક્કી કરવામાં તકલીફ પડી હતી એટલા બધા યોગ્ય ઉમેદવારો હતા. કોઈપણ રીતે ભાજપની નગરપાલિકા બને તેવી સ્થિતિ ન હતી.

Isudan Gadhavi

આ ઘટના બાદ મેં પોતે RO સાથે વાત કરી અને પૂછ્યું કે, શું તમારી પાસે રેકોર્ડિંગ છે? કારણ કે વાંધા અરજીનું રેકોર્ડિંગ કરવાનું હોય. વાંધાઅરજી આપવાની અને જવાબ લેવાની જે પણ કામગીરી કરવાની હતી તે કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેમણે લેખિતમાં લખ્યું છે કે વાંધાઅરજીનો નાશ પણ કરવામાં આવ્યો છે. વધુ એક બહેન જેમણે ઉમેદવારી પત્ર કર્યું હતું અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, તો ગઈકાલે રાત્રે તેમનું ઘર ખાલી કરાવ્યું. મારું માનવું એમ છે કે 66 નગરપાલિકાઓમાં શા માટે ચૂંટણી જાહેર કરી છે? જો તમે લોકો રાજાશાહીમાં જ માનતા હોય તો ચૂંટણી શા માટે જાહેર કરો છો? આમ પણ બે વર્ષથી તમે ચૂંટણી થવા દીધી નથી.

આ મામલે અમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ અને ચૂંટણી આયોગમાં પણ હું ફરિયાદ કરવા જઈ રહ્યો છું. અમારું સ્પષ્ટ પણે માનવું છે કે ધાક ધમકીઓ આપીને દબાણ કરીને એક ગુનાહિત કામ કરવામાં આવ્યું છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ભાણવડની જનતાને કહેવા માંગીશ કે ભાજપ બિનહરીફ બનીને ગેરકાયદેસર રીતે જીતવા માંગે છે અને આ ભાજપના લોકો કંસના વંશજ છે. આ લોકો કોઈના સગા નથી અને ફક્ત પ્રાઇવેટ કંપનીની જેમ પોતાની પાર્ટી ચલાવે છે. તો જો તમે ક્યારેય પણ ભાજપના બટનને દબાવતા નહીં અને જો દબાવશો તો તમે કંસને મજબુત કરશો અને તે લોકો તમારા અને મારા વંશને ખતમ કરી નાખશે અને લોકતંત્રને ખતમ કરી નાખશે.

આ પણ વાંચોAkhilesh Yadav : અખિલેશ યાદવનો સંસદમાં હુંકાર, ‘મહાકુંભમાં ભાગદોડ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ, મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે’

Read More

Trending Video