અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ અને તેના પિતા હાલ જેલમાં છે. આ કેસમાં પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આ કેસની ટ્રાયલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી.
આરોપીના વકીલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી રજુ કરી હતી. આ અરજીમાં તથ્ય પટેલ પર નોંધાયેલા ગુનામાં IPC ની કલમ 304 અને 308 હટાવવા અને પ્રજ્ઞેશ પટેલ સામે નોંધાયેલા ગુનામાં IPCની કલમ 279, 337, 338, 304, 308 હટાવવાની રજૂઆત થઈ હતી પણ કોર્ટે આજે આ અરજી પર ચુકાદો આપતા તથ્ય સામે નોંધાયેલા ગુન્હામાં કલમ 304 અને 308 દૂર કરવાની અરજીને નામંજૂર કરી.
અકસ્માતન બાદ પ્રજ્ઞેશ પટેલે અકસ્માત સ્થળે લોકો સાથે મારામારી કરીને ઝઘડો કર્યો હતો. તેણે લોકોને ડરાવી ધમકાવીને પોલીસને જાણ કર્યા વિના જ આરોપી તથ્ય પટેલને ઘટના સ્થળેથી લઈ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ માસમાં તથ્ય પટેલે અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયાં હતા.