Iran-Israel War: હુમલા બાદ ઈઝરાયેલના પીએમની ધમકી , ઈરાને મોટી ભૂલ કરી તેની કિંમત ચૂકવવી પડશે

October 2, 2024

Iran-Israel War: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મંગળવારે રાત્રે ઈરાન (Iran) દ્વારા ઈઝરાયેલ (Israel) પર મિસાઈલ હુમલા બાદ સ્થિતિ પહેલા કરતા વધુ તંગ બની ગઈ છે. આ હુમલામાં જાન-માલના નુકસાનની હદ વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. જોકે, ઈઝરાયેલે કહ્યું છે કે તેણે ઘણી મિસાઈલોને નષ્ટ કરી છે.ઈરાની હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે. સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે જે કોઈ પણ તેમના પર હુમલો કરશે, અમે જવાબી કાર્યવાહી કરીશું.

ઇરાને ઇઝરાયેલ પર  કર્યો મોટો હવાઈ હુમલો

ઇરાને ઇઝરાયેલ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. જેમાં  ઇઝરાયેલ પર લગભગ 200 મિસાઇલો છોડ્યા બાદ ઇરાનની સેનાએ દાવો કર્યો છે કે 90 ટકા હુમલા સચોટ હતા. આ સાથે જ ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનની મોટાભાગની મિસાઈલોને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નષ્ટ કરી દીધી છે. ઈરાનની સેનાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે મિસાઈલ વડે ઈઝરાયલના હેટઝરિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાંથી ફાઈટર પ્લેન્સે ઉડાન ભરી હતી અને લેબનોનમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો.

હુમલા બાદ ઈરાનમાં લોકોએ પણ ઉજવણી કરી

ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલ પર હાઈપરસોનિક મિસાઈલ છોડી હતી. જેમને ઈઝરાયેલ રોકી શક્યું નથી. સમાચાર એ છે કે ઈરાને ઈઝરાયેલ પર તેની સૌથી અદ્યતન ફતાહ મિસાઈલો છોડી હતી.ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનમાં લોકોએ પણ ઉજવણી કરી હતી. તેઓએ અમેરિકા અને ઈઝરાયલના પતનના નારા લગાવ્યા.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી

બીજી તરફ ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રમાં આરોપ લગાવ્યો છે કે ઈરાને મિસાઈલ હુમલો કરીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કરવા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જો કે ઈઝરાયેલની આ માંગ પૂરી કરવી શક્ય જણાતું નથી. કારણ કે રશિયા અને ચીન જેવા દેશો હંમેશા ઈરાનની સાથે ઉભા રહ્યા છે અને આવા કોઈપણ પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરી શકે છે.

 ઈઝરાયેલના પીએમનું નિવેદન

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે,  ઈરાનને મિસાઈલ હુમલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈઝરાયેલની સેનાએ પણ કહ્યું છે કે તે નિયત સમયે અને સ્થળ પર ઈરાન સામે જવાબી કાર્યવાહી કરશે. જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : પુણેમાં હેલિકોપ્ટર ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત

Read More

Trending Video