કોંગ્રેસ (Congress) દ્વારા યુથ જોડો બુથ જોડો (Yuth Jodo, Booth Joda) અભિયાનનો દેશભરમાં પ્રારંભ કરાયો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ (Anand District Youth Congress) દ્વારા ગુરુવારે કારોબારી મિટિંગ (Executive meeting) મળી હતી. જેમાં હોદ્દેદારોની નિમણૂંક થઈ હતી અને કોંગ્રેસના આ અભિયાનને લઈને ચર્ચા થઈ હતી પરંતુ ગુજરાત કોંગ્રેસનો આંતરિક ડખ્ખો એટલો વધારે છે કે તે સપાટી પર આવ્યા વિના રહેતો જ નથી. આણંદ યુથ કોંગ્રેસની આ મિટિંગ બાદ હવે તેનો વિવાદ સામે આવ્યો છે.
ફોટો પર વ્હાટનર માર્યું
આણંદ (Anand) જિલ્લા આ યુથ કોંગ્રેસની મીટિંગની જે પ્રેસનોટ તૈયાર કરવામાં આવી તેના ફોટોમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના (Gujarat Pradesh Youth Congress) પદાધિકારી વિરેન્દ્રસિંહ ચાવડાના ફોટા પર વ્હાઈટનર મારી દેવામાં આવ્યું હતું અને તે વ્હાઈટનર મારેલો ફોટો અખબારોમાં છપાયો હતો. જે અંગે વિરેન્દ્રસિંહ ચાવડાને જાણ થઈ ત્યારે તેમણે આ મામલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખને રજૂઆત કરી છે. તેમણે એક વીડિયો પણ રિલિઝ કરી પાર્ટીને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહ કરવામાં આવે તેવી માંગ કરી છે તથા આ મુદ્દે યોગ્ય જવાબ નહી મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળીને રજૂઆત કરશે.
વીડિયો રિલિઝ કર્યો રજુઆત
વિરેન્દ્રસિંહ ચાવડાએ (Virendra Singh Chavda) વીડિયો રિલિઝ કરી જણાવ્યું કે, ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા હાથ જોડો બુથ જોડો અભિયાન આખા દેશમાં શરૂ થયું છે. આણંદ જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી મળી હતી. કારોબારીમાં પ્રદેશ પ્રમુખ પ્રભારી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ મિટિંગની પ્રેસનોટના ફોટોમાં કાવાદાવા માટે કે મને બદનામ કરવાના હેતુસર મારા ફોટો પર વ્હાઈટનર લગાડી દેવાયો તે ફોટો મીડિયામાં રિલિઝ કરાયો હતો. જ્યારે ફોટો પેપર છપાયો અને મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ઓરિઝનલ ફોટોમાં ચેડાં કરીને પ્રેસનોટ અપાઈ હતી. મારી માંગણી એવી છે કે શા માટે આવું કરવામાં આવ્યું?
પ્રદેશ પ્રમુખને કરશે રજૂઆત
તેમણે કહ્યું, મેં જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો પણ સંપર્ક કર્યો તેમની જોડે વાત કરી. આ બનાવ દુ:ખદ વાત છે પાર્ટીના યુવાનો અને પાર્ટીના સંગઠન પર તેની ખોટી અસર પડે. 15 વર્ષથી પાર્ટીમાં કામ કરીએ છીએ અને અમારી સાથે આવું થતું હોય તો કોઈ પણ જોડે આવું થઈ શકે છે અને આ કયા એવે એન્ટિ કોંગ્રેસમાં લોકો છે જે કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે. આવા લોકોને ઉઘાડા પાડવામાં આવે તેવી મેં પાર્ટી પાસે માંગ કરી છે અને જો યોગ્ય જવાબ નહી મળે તો હું ચોક્કસથી ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાસે જઈ રજુઆત કરીશ. હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો હોદ્દેદાર છું. જે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે તેની વિરૂદ્ધ પક્ષ કાર્યવાહી કરે નહી કરે તો આગામી સમયમાં હું પ્રદેશ પ્રમુખને પુરાવા સાથે રાજકિય પ્લેટફોર્મ પર રજુઆત કરીશ.
આવી સ્થિતિમાં કોંગ્રેસનો સંઘ દ્વારકા કેવી રીતે પહોંચશે?
જણાવી દઈએ કે, એક તરફ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં સુષુપ્ત થયેલી કોંગ્રેસને ફરી જગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જનમંચમાં જ્ઞાન સહાયક મુદ્દે આયોજીત કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાન સહાયક ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના આ કાર્યક્રમને સારું સમર્થન મળ્યું પરંતુ આંતરિક વિખવાદમાં કોંગ્રેસને કોરી ખાઈ રહ્યો છે તે નજર સામે જ જોવા મળી રહ્યું છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ શું એક્શન લે છે તે તો સમય જ બતાવશે પરંતુ આ ઘટનાથી કોંગ્રેસમાં જ રહેલા કોંગ્રેસના હિતશત્રુઓને પિશાચી આનંદ મળી રહ્યો છે.