Israel News:ભારતના પડોશી દેશ બાંગ્લાદેશ બાદ માલદીવે પણ ઈઝરાયેલના નાગરિકોના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકીને ઈઝરાયેલ સરકારને ઝાટકોઆપ્યો છે. માલદીવે મંગળવારે જાહેરાત કરી કે તેની સંસદે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતાના પ્રદર્શનમાં ઇઝરાયેલના નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ મંગળવારે સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને તાત્કાલિક મંજૂરી આપી તેને કાયદો બનવાનો માર્ગ મોકળો કર્યો.
પ્રસ્તાવ પસાર થયા બાદ અને કાયદો બની ગયા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુના કાર્યાલય તરફથી આ બાબતે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પેલેસ્ટિનિયન લોકો પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારોથી પરેશાન છે… અને તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે આ પગલું ભરી રહી છે. આ નિર્ણય સાથે માલદીવ પેલેસ્ટિનિયન નાગરિકો સાથે તેની એકતા પુનઃપુષ્ટ કરે છે.
બંને દેશોમાં બહુ ફરક નહીં પડે
માલદીવ ભારતના પડોશમાં સ્થિત છે. ઘણા ટાપુ જૂથોથી બનેલો દેશ છે. જેની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પર્યટન પર આધારિત છે. ઈઝરાયેલના નાગરિકો પરના પ્રતિબંધથી પ્રવાસન પર બહુ અસર થવાની શક્યતા નથી. સત્તાવાર માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં લગભગ 2.14 લાખ લોકોએ દેશની મુલાકાત લીધી હતી. જેમાંથી માત્ર 59 ઇઝરાયેલી નાગરિકો હતા.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને માલદીવ વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. ઈસ્લામિક દેશ હોવાના કારણે માલદીવે હંમેશા ઈઝરાયેલથી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે 1965માં માલદીવને આઝાદી મળી. ત્યારે માલદીવને એક દેશ તરીકે માન્યતા આપનારા પ્રથમ દેશોમાં ઈઝરાયેલ હતું.