ટીમ ઈન્ડિયા આજે (26 ડિસેમ્બર) દક્ષિણ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની ધરતી પર 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ આજે મંગળવારે 26 ડિસેમ્બરે સેન્ચુરિયનમાં બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ
ભારતીય ક્રિકેટ ટીમે 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. દક્ષિણ આફ્રિકામાં બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 ટેસ્ટ સિરીઝ રમાઈ છે, પરંતુ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ સિરીઝ જીતી શકી નથી. યજમાન ટીમે 8માંથી 7 ટેસ્ટ શ્રેણી જીતી છે અને ભારત એક શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે.
મોહમ્મદ શમી નહીં રમી શકે
ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટેસ્ટ શ્રેણી સાથે સમાપ્ત થશે. શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આજથી એટલે કે 26મી ડિસેમ્બરથી રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નથી. પગની ઘૂંટીમાં ઈજાના કારણે શમી આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ભારત માટે હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ ન રમનાર ખેલાડીને તેની જગ્યાએ તક મળી શકે છે.
31 વર્ષથી ભારતીય ટીમ હારી રહી છે
ભારતીય ટીમ છેલ્લા 31 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. જો ટીમ ઈન્ડિયા અહીં રોહિત શર્માના નેતૃત્વમાં શ્રેણી જીતે છે તો તે ભારતની સાથે સાથે રોહિતની કારકિર્દીમાં પણ એક માઈલસ્ટોન સાબિત થશે.
કેપ્ટન રોહિત પાસે ઈતિહાસ રચવાની તક
તાજેતરમાં જ ODI વર્લ્ડ કપમાં રોહિત પાસે કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરવાનો મોકો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, જો રોહિત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહે છે, તો તે ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક બની જશે અને આ સિદ્ધિ સાથે વર્લ્ડ કપની હારને ભૂલવાનો પ્રયાસ કરશે. આ વખતે આફ્રિકાની ટીમને જોતા ભારતીય ટીમ પાસે ઈતિહાસ બદલવાની સુવર્ણ તક છે.