GCCIની નવી ટીમનો પદગ્રહણ સમારોહ, CM Bhupendra Patelએ ઉદ્યોગકારોને આપ્યો વિકાસનો મંત્ર

July 30, 2026

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ GCCIના બિનહરીફ વરાયેલા નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવી ટીમની વરણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કરે છે. સાથે જ તેમણે વિદાય લેતા પ્રમુખ સંદીપ એન્જિનિયર અને તેમની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.

ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સદીઓથી વેપાર અને ‘મહાજન પરંપરા’ની ભૂમિ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. તેમણે રાજ્યની પ્રગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતમાં કુલ 73.9 બિલિયન અમેરિકન ડોલરનું FDI આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ રોકાણ ગુજરાતની વૈશ્વિક સ્વીકૃતિ અને રોકાણકારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ-2026ને ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ ગણાવી હતી. નવી નીતિમાં પ્રથમ વખત ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે MSME ક્ષેત્રને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને નવી ઉદ્યોગ નીતિનો અભ્યાસ કરીને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વદેશી ઉદ્યોગલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન અને સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિક્રમ-1 રોકેટના લોન્ચ જેવી પહેલોને ભારતની વૈશ્વિક છબિ મજબૂત કરનારી ગણાવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ, GIFT Cityમાં AI સેન્ટર અને ડેટા સેન્ટર જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં આગેવાની લઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ ‘મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે ઉદ્યોગકારોને પાંચ ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. સમારોહમાં GCCIના નવનિયુક્ત પ્રમુખ રાજેશ ગાંધી દ્વારા ચેમ્બરની આગામી કાર્યયોજનાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સહકારપૂર્ણ અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત વિવિધ આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને GCCIના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: આ એક લાંબી લડાઈ હશે, Omar Abdullahએ રાજ્યના દરજ્જા માટે ફરી ઉઠાવ્યો અવાજ

Read More

Trending Video