Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આદિવાસી મતોનું અલગ જ પ્રભુત્વ

March 15, 2024

Loksabha Election 2024 : લોકસભા 2024 ની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) ની સામે કોંગ્રેસ (Congress) – AAP નું ગઠબંધન છે. ગુજરાતમાં આમ તો ઘણી જ્ઞાતિઓનું વર્ચસ્વ છે પણ છેલ્લા કેટલાક સમયથી દરેક પક્ષમાં એક આદિવાસી ફેક્ટર (Adivasi Factor) જોવા મળી રહ્યું છે. એટલે હવે એવું કહી શકાય કે મુખ્ય ફોકસ આદિવાસી વોટબેંક (Adivasi votbank) પર છે એવું પણ કહી શકાય.

ગુજરાતના આ જિલ્લામાં આદિવાસીમતોનું પ્રભુત્વ

ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે જેના પર આદિવાસી મતોનું પ્રભુત્વ રહેલું છે. દાહોદ (Dahod), છોટા ઉદેપુર (Chhota Udepur), બારડોલી (Bardoli), વલસાડ (Valsad), ભરૂચ (Bharuch), નર્મદા (Narmada), અને પંચમહાલ (Panchmahal)માં આદિવાસી મતોનું ખૂબ પ્રભુત્વ જોવા મળે છે. 2019 માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઇ ત્યારે ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

ગુજરાતમાં ભાજપે આમ તો આદિવાસી વોટબેંક માટે આદિવાસી ઉમેદવારો જ પસંદ કર્યા છે. ત્યારે આ બાબતે સૌથી વધુ કોઈ જીતનો મજબૂત દાવો કરી રહી હોય તો એ છે આમ આદમી પાર્ટી. ભરૂચ બેઠક પરથી AAP ના ઉમેદવાર ચૈતર વસાવાને લઈ મજબૂત જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સામે તેટલા જ પ્રબળ ઉમેદવાર મનસુખ વસાવા છે.

ભરૂચ આમ તો મનસુખ વસવાનો ગઢ રહ્યો છે અને છેલ્લી 6 ટર્મથી તેઓ ત્યાં વિજયી થતાં આવે છે. તેથી આ વખતે ભરૂચમાં તો વસાવા સામે વસવાનો જંગ જમવાનો છે. ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા 2019માં 3,34,214 મતોથી જીત્યા હતા. 1998થી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે.

આ સિવાય 2019ની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી 3,53,797 મતે, બારડોલી બેઠક પરથી 2,15,447 મતે, છોટા ઉદેપુર બેઠક પરથી 3,77,943 મતે અને દાહોદ બેઠક પરથી 1,27,596 મતોની ભારે સરસાઈથી ભાજપનો વિજય થયો હતો.

ભાજપ 26 માંથી 26 સીટો પર જીતનો દાવો કરે છે. અને બીજી તરફ આ મતોની સરસાઈને જોતાં અત્યારે તો એવું લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ભાજપ સામે કેટલું સફળ સાબિત થાય છે તે તો જોવાનું રહ્યું. હા પણ સાથે જ આદિવાસી ફેક્ટર કેટલું સફળ નીવડે છે તેના પર સહુની નજર મંડાયેલી છે.

Read More

Trending Video