Surendranagar : હાલ ભાજપ (BJP) દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન (BJP membership campaign) ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ પણ આપી દેવામા આવ્યો છે. ત્યારે આ ટાર્ગેટ પુરો કરવા માટે હવે બાળકોનો સહારો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતા ભારે ખળભળાટ મચી ગયો છે. અને હાલ બાળકોની વિગતોનો રાજકીય ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હોવાને લઇ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં !
સરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વિધાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા અંગેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં શાળાના આચાર્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન વચ્ચેની વાતચીત છે. જેમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત સ્કૂલના વિધાર્થીઓને ઘરેથી મોબાઇલ લઈ આવવા જણાવ્યું હોવાનો વાયરલ ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે શાળાના આચાર્યની સૂચના મુજબ વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને આવ્યા હોવાનું શિક્ષકે વાયરલ ઓડિયોમાં જણાવ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓને પણ સામેલ કરી ખોટી ખોટી વાહ વાહી ભાજપના સ્થાનિક આગેવાનો મેળવતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જેના કારણે રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
બાળકોન રજા આપી આચાર્ય રજા પર ઉતરી ગયા
જાણવા મળી રહ્યું છે કે, આ વિવાદ સામે આવ્યા બાદ શાળાના આચાર્ય અચાનક જ રજા પર ઉતરી ગયા છે.આ સાથે ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપીને ઘરે મોકલી દેવામા આવ્યા હતા.ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી હવે રાજકારણમાં બાળકોનો ઉપયોગ કરી રહી છે. તે કેટલું યોગ્ય કહેવાય ? આ મામલો સામે આવતા શું ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? નાસમજ બાળકોનો આવી રીતે ઉપયોગ કરવા મામલે હજુ સુધી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી. પરંતુ હવે જોવું રહ્યું કે, ભાજપ આ મામલે શું કાર્યવાહી કરે છે અથવા કોઈ કાર્યવાહી પણ કરે છે કે, નહીં…
આ પણ વાંચો : ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી થતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યો માટે એડવાઈઝરી જાહેર