GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની ( GSSSB ) પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે. ગૌણ સેવા મંડળ ( GSSSB) દ્વારા CCEની પરીક્ષાની લઈને મોટો નિર્ણય લેવામા આવ્યો છે. હવે કેટલાક ઉમેદવારો માટે CCEની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય
પ્રાપ્ત જાણકારી ગુજરાત ગૌણ સેવા મંડળ ( GSSSB) દ્વારા આગામી મહિનાઓમાં યોજાનારી CCE ની પરીક્ષા અંગે પ્રશંસનીય નિર્ણય લેવામા આવ્યો છે. જે મુજબ હવેથી CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારને પોતાના લગ્ન કે યુનિવર્સીટીની પરીક્ષા હોય અથવા મહિલા ઉમેદવારને પ્રસૂતિની તારીખ હોય તો આવા ઉમેદવારો માટે બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જો કે આ માટે ઉમેદવારોએ પરીક્ષાની તારીખ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આધાર-પુરાવા સાથે રજૂઆત કરવી પડશે આ સાથે સોંગદનામુ પણ રજૂ કરવું પડશે.
લગ્નના કિસ્સામાં શું છે શરત
મહત્વનું છે કે, લગ્નના કિસ્સામાં ઉમેદવારનાં પોતાના લગ્ન હશે અને પરીક્ષાના દિવસે જ લગ્ન હશે તો જ છૂટછાટ મળશે જો પરિવારમાં કોઈના લગ્ન હશે તો તેમને આ લાગુ પડશે નહીં. લગ્ન હોવાના કિસ્સામાં ઉમેદવારે લગ્નની અસલ કંકોત્રી સાથે અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. ઉપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ રજૂ કરવાનું રહેશે.
યુનિવર્સિટીની પરીક્ષા હોય તેવા કિસ્સામાં શરત
યુનિવર્સિટીની પરીક્ષા હોય તેવા કિસ્સામાં ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી આધારો અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.
પ્રસૂતિના કિસ્સામાં શું છે શરત ?
મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્ધારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ અંગે જરૂરી આધાર-પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. આ માટે સોગંદનામાની જરૂર નથી.
ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ થશે કાર્યવાહી
વધુમાં જણાવવામા આવ્યું છે કે, જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજુ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે તો તેઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. આ ઉપરાંત ખોટું સોગંદનામું રજુ કરવા બદલ ફોજદારી ગુનોં પણ બની શકે છે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો : Surendrnagar: મુખ્યમંત્રીએ ખેડૂતો માટે જે યોજનાનું લાકાર્પણ કર્યું તેનો ખેડૂતોએ જ કર્યો વિરોધ, લગાવ્યા આ ગંભીર આક્ષેપ