Isudan Gadhvi AAP: ભાદર નદીમાં કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી જેતપુર પહોંચ્યા હતા. જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે ભાદર નદી પ્રદૂષિત બની રહી છે. તેના પરિણામે જેતપુર શહેર તેમજ આસપાસના બે-ત્રણ જિલ્લાનાં લગભગ 90થી વધુ ગામોના ખેડૂતોને ભારે પાક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પીવાના પાણીમાં પણ કેમિકલ મિશ્રિત પાણી આવતાં લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવાએ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે. આંદોલનને ટેકો આપતા ખેડૂત નેતા મહેશભાઈ કોટડીયા છેલ્લા બે દિવસથી ધરણા પર બેઠા છે. તેમણે ચીમકી આપી છે કે જો તાત્કાલિક ન્યાય નહીં મળે અને પ્રદૂષણ બંધ નહીં થાય તો તેઓ અનિશ્ચિત અનશન પર બેસશે.
આ તકે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી જેતપુર અને આસપાસના વિસ્તારોમાં સાડી ઉદ્યોગો તથા અન્ય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રીટમેન્ટ વગરનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં છોડવામાં આવે છે. નિયમ મુજબ કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં COD અને BODના ધોરણ મુજબ પાણી શુદ્ધ કરીને છોડવાનું હોય છે, પરંતુ આવું થતું નથી. તેમના જણાવ્યા મુજબ આશરે 1700થી વધુ ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી ઘણા કેમિકલ આધારિત છે અને બોર તથા કૂવા દ્વારા ઝેરી પાણી જમીનમાં ઉતારવામાં આવે છે. પરિણામે પાણી અને જમીન બંને પ્રદૂષિત થઈ રહ્યા છે, અને પોરબંદર સુધી માછલીઓના મૃત્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઇસુદાન ગઢવીએ આરોપ મૂક્યો કે ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે. જો કોઈ હપ્તા લે છે તો તે ગંભીર પાપ છે, અને જો કાર્યવાહી નથી કરતાં તો તે પણ એટલું જ ગંભીર છે. તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને સવાલ કર્યો કે તેઓ પગાર શા માટે લે છે? પ્રદૂષણ રોકવા માટે કે માત્ર કચેરી ચલાવવા માટે? તેમણે કહ્યું કે જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તે દિવસે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને હપ્તા લેનાર નેતાઓ સામે કડક કાર્યવાહી થશે અને જરૂર પડે તો જેલમાં મોકલવામાં આવશે.
AAP નેતા Isudan Gadhviએ ખેડૂતોને સંબોધતા તેમણે જણાવ્યું કે ડરાવવા અને ધમકાવવાની રાજનીતિથી ડરવાની જરૂર નથી. જો આપણે ગંદુ પાણી પીશું, આપણા બાળકો બીમાર પડશે, કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધશે, તો પછી શા માટે ડરવું? ડરાવનાર કોણ હોય? ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓ. તેમણે ખેડૂતોને એકતા માટે આહ્વાન કર્યું અને કહ્યું કે ઘરે ઘરે જઈને જાગૃતિ લાવવી પડશે. ઇસુદાન ગઢવીએ સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને પડકાર આપ્યો કે જો તેઓ નિષ્ઠાવાન હોય તો મહેશભાઈ અને દિલીપભાઈ સાથે ધરણા પર બેસે અને પ્રદૂષણ કરનાર કંપનીઓ બંધ કરાવે. જો તમે પ્રજાના હિત માટે રાજકારણમાં આવ્યા હો, તો અહીં આવીને સાબિત કરો. હું તમારા માટે પ્રચાર કરવા પણ તૈયાર છું, એમ તેમણે કહ્યુ હતુ. જેતપુર, ધોરાજી, પોરબંદર સહિતના નાગરિકોને અપીલ કરી કે પોતાના બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રદૂષણ સામે અવાજ ઉઠાવો અને ડર છોડીને એકતા સાથે લડો.
આ પણ વાંચો :