Gauri Desai AAP: આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તથા પ્રદેશ ઉપપ્રમુખ તથા મહિલા નેતા ગૌરી દેસાઈએ આજે શિક્ષાને લગતા મુદ્દે એક પ્રેસ કોન્ફકન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં આજે જનતા લાચાર બની રહી છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં લાચાર બની ગઈ છે. કંઈક ને કંઈક ઘટનાઓ આપણને ધ્રુજારી ઉપજાવી દે એવી બને છે. ગુજરાત સરકાર કાગળ ઉપર તો સારી સારી વાતો કરે છે 10/04/2017 માં એક ઠરાવ કરવામાં આવેલો કે, જે પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિના મૂલ્ય શિક્ષણ આપવામાં આવશે. જૂન 2017 થી તેની અમલવારી થવાની હતી. પરંતુ ચાંદખેડામાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી તરફથી અમને ફરિયાદ મળી છે. વાલીઓનું કહેવું છે કે મફત શિક્ષણ આપીશું સરકાર એવું કહે છે પરંતુ હકીકતમાં વિદ્યાર્થીનીઓ પાસેથી ચારથી પાંચ હજાર રૂપિયાની ફી એનકેન પ્રકારે ઉઘરાવવામાં આવી રહી છે. અમને વાલીઓએ ફી ની રસીદો પણ આપી છે પરંતુ, એ લોકો એટલા ડરમાં છે કે એમણે એ જાહેર કરવાની ના પાડી છે. મારે મીડિયાના માધ્યમથી શાસનમાં બેસેલા, શિક્ષણ સાથે સંકળાયેલા મોટા મોટા અધિકારીઓને જણાવવું છે કે, ખાલી કાગળ ઉપર વાતો થાય છે પરંતુ હકીકતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દીકરીઓ પાસેથી ચાર હજાર જેવી માતબર ફી વસૂલવામાં આવી રહી છે. આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે.
છેલ્લા આઠ વર્ષમાં આ શાળાઓ દ્વારા જેટલી પણ ફી ઉઘરાવવામાં આવી છે તે દીકરીઓના માતા પિતાને બોલાવીને તમામ ફી સરકાર દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા સંચાલકોને સાથે રાખીને એમની આ ફી પરત કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે તેમના માટે ચારથી પાંચ હજારની ફી સામાન્ય રકમ બની ગઈ છે પરંતુ સામાન્ય લોકો 25 થી 50 હજારની કમાણી કરીને ઘર ચલાવતા પરિવારજનોને જો પોતાના સંતાન પાછળ આવી રીતે વધારાના ચારથી પાંચ હજાર આપવા પડતા હોય તો એ ગુજરાતની જનતાની શિક્ષણની કરુણતા છે. જે વી પટેલ ટ્રસ્ટી છે, એક એવી પેટર્ન બની ગઈ છે એક એવી ફેશન બની ગઈ છે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા કે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવી દે એટલે જાણે મન ફાવે એવી રીતે ફી ઉઘરાવવાનું એમને લાયસન્સ મળી ગયું. ચાંદખેડામાં આવેલી સાબરમતી હાઇસ્કુલ એમાં ધોરણ 9 થી 12 ની જે વિદ્યાર્થીનીઓ છે જે પણ મોટી રકમની ફી લેવામાં આવે છે છેલ્લા આઠ વર્ષમાં જે પણ ફી ઉઘરાવવામાં આવી છે તે તમામ પરત કરવામાં આવે. સાથે સાથે આ કેમ્પસમાં આઇબી ઇંગલિશ સ્કૂલ પણ ચાલે છે જ્યાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ છે. એમના માટે એફઆરસી બનાવી છે, FRCમાં 15000 રૂપિયા ફી નક્કી કરી હોય છે પરંતુ ₹18,000 ઉઘરાવવામાં આવે છે અને કોઈ કશું જ બોલતો નથી. શું આપણે વાલીઓ મા બાપ જનતા એટલી બધી લાચાર બની ગઈ છે કે આપણે અવાજ પણ ઉઠાવી નથી શકતા? મારી વિનંતી છે કે આગામી દિવસોમાં આનો ખુલાસો મળે અને આ વાલીઓને ન્યાય નહીં મળે ગાંધીનગર જઈને ડીઇઓને મળીને આ અંગે કાર્યવાહી કરીશું.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને મહિલા નેતા ગૌરી દેસાઈએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે તે મહિલાઓ અને દીકરીઓને સુરક્ષા આપવામાં તો નિષ્ફળ રહી જ છે અને આજે અમે એ પણ સાબિત કર્યું કે દીકરીઓને શિક્ષણ આપવામાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. ગ્રાન્ટ મળતી હોવા છતાં પણ વિદ્યાર્થીનીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે તો સવાલ એ થાય છે કે ગ્રાન્ટના પૈસા ગયા ક્યાં? ગુજરાતમાં બેટી બચાવો અને બેટી પઢાવોનો નારો ફક્ત કાગળ પર જ રહી ગયો છે. અમારી માંગ છે કે ગુજરાતના તમામ વાલીઓને અને દીકરીઓને એમની ફી પરત મળે અને આ જે ફી ઉઘરાવવાનું કામ ચાલી રહ્યું છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. આ મુદ્દા પર અમે દીકરીઓના વાલીઓ સાથે ઉભા રહીને જે પણ પગલાં ભરવા પડશે એ પગલા ભરીશું.
આ પણ વાંચો:કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓ કોંગ્રેસની અસલિયત જાણીને ફરીથી AAPમાં જોડાઈ રહ્યા છે: Isudan Gadhvi