Hezbollah: લેબનોનની રાજધાની બેરૂત સહિત અન્ય ઘણા સ્થળોએ પેજર વિસ્ફોટો બાદ હિઝબુલ્લાએ જવાબી કાર્યવાહી કરી છે. લેબનોનની લડાયક દળ હિઝબુલ્લાહે કિરયાત શિમોના પર 20 રોકેટ છોડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોડવામાં આવેલા કેટલાક રોકેટને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રોકેટ લક્ષ્ય સુધી પહોંચી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
ઉલ્લેખનીય છે કે કિરયાત શિમોના ઈઝરાયેલ-લેબનોન બોર્ડર પર આવેલું ઈઝરાયેલનું ગામ છે. બેરૂતમાં પેજર બ્લાસ્ટ પછી, વોકી-ટોકી અને કેટલાક જૂના પેજર્સમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે.
હિઝબુલ્લાહના કોમ્યુનિકેશન ડિવાઇસમાં બ્લાસ્ટ થયો હતો
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે વોકી-ટોકી પર થયેલા વિસ્ફોટોમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પહેલા મંગળવારે લેબનોનમાં પેજર્સ દ્વારા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. જેમાં 2800થી વધુ લોકો ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એ કોમ્યુનિકેશન ડિવાઇસ પર થયા હતા જેનો હિઝબુલ્લાહ ઉપયોગ કરી રહ્યું હતું. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર પેજર વિસ્ફોટોનો આરોપ લગાવ્યો છે. જે બાદ હિઝબુલ્લાએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે, આ અંગે ઈઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023ના રોજ યુદ્ધ શરૂ થયું હતું અને તે જ દિવસથી ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ગોળીબાર ચાલુ છે. હિઝબુલ્લાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે ઈરાન સમર્થિત પેલેસ્ટિનિયન જૂથને સંપૂર્ણ સમર્થન આપશે.
હિઝબુલ્લાહ કોણ છે?
હિઝબોલ્લાહ લેબનોનમાં એક શિયા મુસ્લિમ સંગઠન છે જે રાજકીય રીતે પ્રભાવશાળી છે અને દેશના સૌથી શક્તિશાળી લશ્કરી દળને નિયંત્રિત કરે છે. આ સંગઠન 1980 ના દાયકામાં અમલમાં આવ્યું જ્યારે લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોન પર કબજો કર્યો. બાદમાં, હિઝબુલ્લાહ ઇઝરાયેલી દળોને લેબનોનમાંથી બહાર કાઢવામાં સફળ થયો.
આ પણ વાંચો: Lebanon Blast: પેજર બાદ હવે લેબનોનમાં વોકી-ટોકીમાં બ્લાસ્ટ, સતત બીજા દિવસે 3ના મોત