Hemant Soren : હેમંત સોરેન (Hemant Soren)ને ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી પદ મળી શકે છે. જેએમએમ (JMM)ની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચેની સર્વસંમતિ બાદ, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન (Hemant Soren) ત્રીજી વખત ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે પાછા ફરવા માટે તૈયાર છે. સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે.
ચંપઈ સોરેન 8 વાગે રાજીનામું આપી શકે છે
સૂત્રોએ જણાવ્યું હતું કે રાંચીમાં મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠક દરમિયાન જોડાણના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ જો સૂત્રોનું માનીએ તો સીએમ ચંપઈ સોરેન આજે લગભગ 8 વાગ્યે રાજીનામું આપી શકે છે. તેમણે ઝારખંડ ગઠબંધનના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને 7 વાગે રાજભવન જવા માટે તૈયાર રહેવા કહ્યું છે.
હેમંત પાંચ મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છે
જો હેમંત સોરેન શપથ લેશે તો તેઓ ઝારખંડ રાજ્યના 13મા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર ઉપરાંત હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ બેઠકમાં હાજર રહ્યા હતા. હેમંત સોરેનને લગભગ પાંચ મહિના પછી 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. 31 જાન્યુઆરીએ તેમની ધરપકડ પહેલા તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
હેમંત સોરેન પર શું છે આરોપ?
હેમંત સોરેન પર 31 કરોડ રૂપિયાથી વધુ કિંમતની 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ છે. હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી તરત જ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
હેમંત ચૂંટણી પહેલા કમાન પોતાના હાથમાં લેવા માંગે છે
હેમંત સોરેનની જનતામાં લોકપ્રિયતા અને તેમના પાછલા કાર્યકાળની સિદ્ધિઓને જોતા તેમની સત્તામાં વાપસીની શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. એવું લાગે છે કે વિધાનસભાની ચૂંટણીમાં જતા પહેલા હેમંત સોરેન પાર્ટીની સાથે સરકારની કમાન સંભાળવા માંગે છે.