રાજ્યમાં હાલ ભારે વરસાદને (heavy rain) પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લાંબા વિરામ બાદ ફરી એક વાર વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological department) દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, અને ગીરસોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી બોટાદ, ભાવનગર, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 13 તાલુકામાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ, 22 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે તેમજ 47 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
3 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપીમાં યેલો એલર્ટ આપવામા આવ્યું છે.
19મી સપ્ટેમ્બર
19મી સપ્ટેમ્બરે પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
20મી સપ્ટેમ્બર
20મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.