Delhi Suicide News: દેશની રાજધાની દિલ્હીમાંથી (Delhi ) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના દિલ્હીના રંગપુરી વિસ્તારની છે. જ્યાં પિતાએ તેની ચાર વિકલાંગ પુત્રીઓ સાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાંચેય મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લઈ પંચનામા કરી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
4 દિવ્યાંગ દિકરીઓ સાથે પિતાએ કર્યો આપઘાત
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને આસપાસના લોકોને પૂછતા તેમને ખબર પડી કે આ આત્મહત્યાની ઘટના આજે કે ગઈકાલે નહીં પરંતુ ઘણા દિવસો પહેલા બની હતી. લોકોએ જણાવ્યું કે આ ઘર ઘણા દિવસોથી બંધ હતું. ઘરની બહાર કોઈ દેખાતું ન હતું. ઘણા દિવસોથી પરિવારનો કોઈ સભ્ય ક્યાંય જતો જોવા મળ્યો ન હતો. પાડોશીઓએ વિચાર્યું કે આ લોકો ગામમાં ગયા છે, કદાચ તેથી જ કોઈ દેખાતું નથી. પરંતુ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે લોકોને કંઈક અજુગતું હોવાની શંકા ગઈ. લોકોએ તરત જ પોલીસને જાણ કરી.
પોલીસે શું કર્યા ખુલાસા
જણાવવામાં આવી રહ્યું છે કે ચારેય પુત્રીઓ વિકલાંગ હતી. પોલીસે શુક્રવારે સવારે ભાડાના મકાનમાંથી તમામની લાશ મળી આવી હતી. મૂળ બિહારના 50 વર્ષના હીરાલાલ તેમના પરિવાર સાથે રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા.દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હીરાલાલ સુથાર તરીકે કામ કરતો હતો અને તેની પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. હવે પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષની નિશી, 10 વર્ષની નીરુ અને 8 વર્ષની દીકરી નિધિ હતી.દીકરીઓ વિકલાંગ હોવાને કારણે તેઓ ચાલી પણ શકતી ન હતી, જેના કારણે હીરાલાલ ચિંતિત હતા. પત્નીના અવસાન બાદ તેને ચિંતા થવા લાગી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પોલીસે ઘટનાને લઈને હાથ ધરી તપાસ
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘરમાં ચાર દીકરીઓ સાથે પિતાની લાશ પડી હતી. પોલીસે પાંચેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી એ બહાર આવ્યું નથી કે આ ઘટના પાછળનું કારણ શું છે? તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના પાછળનું સત્ય બહાર આવશે.