Hathras Stampede : રાહુલ ગાંધી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા, પરિવારોને પીડા સાંભળી મદદની આપી ખાતરી

July 5, 2024

Hathras Stampede :કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ) આજે હાથરસ (Hathras) નાસભાગના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતોની પીડા સાંભળી અને તેમને મદદની ખાતરી પણ આપી. પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પીડિત પરિવારો માટે આ મુશ્કેલ સમય છે. તેમણે કહ્યું કે, સૌથી મહત્વની વાત એ છે કે પીડિતોને મહત્તમ વળતર આપવામાં આવે, કારણ કે તેઓ ગરીબ પરિવારના છે.

હાથરસ કાંડના પીડિતોને મળ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું આ ઘટનાને રાજકીય દૃષ્ટિથી જોવા નથી માંગતો, પરંતુ વહીવટીતંત્રની ખામીઓ છે. ભૂલો થઈ છે, તેથી તેને સંબોધિત કરવી આવશ્યક છે. તેમણે કહ્યું, હું યુપીના સીએમ યોગી આદિત્યનાથને ઉદારતાથી વળતર આપવા વિનંતી કરું છું. જો વળતર આપવામાં વિલંબ થશે તો તેનાથી કોઈને ફાયદો થશે નહીં. મેં મૃતકના પરિવારના સભ્યો સાથે અંગત રીતે વાત કરી અને તેઓએ મને કહ્યું કે ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત નથી. તેઓ આઘાતમાં છે અને હું માત્ર તેમની સ્થિતિ જાણવા માંગતો હતો.

રાહુલ ગાંધી મંજુ દેવીના ઘરે પહોંચ્યા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે સૌથી પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢના પિલખાના ગામ પહોંચ્યા હતા. તેઓ અહીં હાથરસ નાસભાગના પીડિત પરિવારોને મળ્યા હતા. રાહુલ ગાંધી સૌથી પહેલા મંજુ દેવીના ઘરે પહોંચ્યા હતા. તેમના પતિ છોટે લાલ અને પરિવારને મળ્યા. હાથરસ અકસ્માતમાં મંજુ દેવી અને તેમના પુત્રનું મૃત્યુ થયું હતું.

રાહુલ ગાંધીએ અકસ્માત વિશે પૂછપરછ કરી અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. મંજુ દેવીની પુત્રીએ કહ્યું કે, તેને સારવારમાં જે મદદ મળવી જોઈએ તે મળી શકી નથી. તેમણે કહ્યું કે તમે ચિંતા ન કરો, સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવશે. રાહુલ ગાંધી પીલખાના ગામમાં બે વધુ પરિવાર શાંતિ દેવી અને પ્રેમવતીના ઘરે પણ પહોંચ્યા હતા. આ પછી રાહુલ ગાંધી હાથરસ જવા રવાના થયા.

ભાગદોડની ઘટનામાં 121 લોકોના મોત

તમને જણાવી દઈએ કે, 2 જુલાઈએ હાથરસમાં થયેલી ભાગદોડની ઘટનામાં 121 લોકોના જીવ ગયા હતા, જેમાંથી 17 અલીગઢના અને 19 હાથરસના હતા.

આ પણ વાંચો :  UK Election 2024 : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત, કીર સ્ટાર્મર બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી

Read More