Haryana New CM : નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી રહેશે, અમિત શાહે કરી જાહેરાત

October 16, 2024

Haryana New CM: નાયબ સિંહ સૈની (Naib Saini) ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી (Haryana CM) તરીકે શપથ લેશે. નાયબ સિંહ સૈની ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બુધવારે (16 ઓક્ટોબર) પંચકુલામાં પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર ધારાસભ્યોએ નાયબ સિંહ સૈનીના નામ પર પોતાની સંમતિ દર્શાવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે બેઠકમાં હાજરી આપી હતી. સૈનીના નામની જાહેરાત ખુદ અમિત શાહે કરી હતી.

નાયબ સિંહ સૈનીની પસંદગી થાય તેવી હતી શક્યતાઓ

ઉલ્લેખનીય છે કે,  માર્ચ મહિનામાં મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ હરિયાણાના મુખ્ય પ્રધાન બનેલા નાયબ સિંહ સૈની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હતા. આથી તેમની મુખ્યમંત્રી પદ માટે પસંદગી થાય તેવી પૂરી શક્યતા હતી.

હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો

હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભાજપ ત્રીજી વખત જીત્યું છે. 90 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી.

 શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબરે યોજાશે

જાણકારી મુજબ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબરે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં યોજાશે. આ સમયગાળા દરમિયાન સૈની સતત બીજી વખત હરિયાણાની કમાન સંભાળશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

 શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બીજા દિવસે સોપાશે

ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી મળ્યા બાદ હવે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સાથે જ શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બીજા દિવસે રાજ્યપાલને સોંપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલ શપથ ગ્રહણ સમારોહ માટે વિધાયક દળના નેતાઓ અને મંત્રીઓને આમંત્રિત કરશે.

 નાયબ સિંહ સૈનીએ એક દિવસ પહેલા જ લીધી હતી મુલાકાત

કાર્યકારી સીએમ નાયબ સિંહ સૈનીએ મંગળવારે એક દિવસ પહેલા મેદાનની મુલાકાત લીધી હતી અને શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય કૃષ્ણા બેદી, મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદ, પૂર્વ સાંસદ સંજય ભાટિયા પણ હાજર હતા.

 શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ આપશે હાજરી

કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 10 કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. સમારંભમાં આવનારા લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવા ઉપરાંત, વહીવટીતંત્ર 2,000 બસો અને 5,000 નાના વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરી રહ્યું છે.

આ પણ વાંચો : મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

Read More

Trending Video