Gujarat Weather Update : ગુજરાતમાં (Gujarat) ચોમાસું (monsoon) વિદાય લેતા પહેલા ફરી રાજ્યમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું છે. આ સાથે રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પણ પડવાનો શરુ થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેના વિશે વાત કરવામા આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણેગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી છે તે વિશે વાત કરવામા આવે તો હવામાન વિભાગ દ્વારા આજે 27 સપ્ટેમ્બરે રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામા આવ્યું છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે સુરત, ડાંગ, તાપી, નવસારી, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ, આણંદ, વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ લસણનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ વિભાગના વડાને બોલાવ્યા