Gujarat: જર્જરીત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી પુરવઠો બંધ થતાં રહેવાસીઓમાં રોષ, હજારો લોકો મનપા કચેરીએ પહોંચ્યા

June 3, 2026

Gujarat News: ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં રહેતા રહેવાસીઓ માટે પાણી પુરવઠો બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાણી અને વીજળી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ બંધ કરવાની તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં રહેવાસીઓ રેલી સ્વરૂપે મનપા કચેરીએ પહોંચ્યા હતા.

માહિતી અનુસાર, હાઉસિંગ બોર્ડના અનેક મકાનો જર્જરીત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા રહેવાસીઓને 90 દિવસની અંદર જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપવામાં આવી હતી. જોકે, મોટા ભાગના બિલ્ડિંગોમાં સમયમર્યાદા બાદ પણ જરૂરી સમારકામ ન થતાં તંત્રએ પાણી પુરવઠો બંધ કરી દીધો હતો. સાથે જ વીજ પુરવઠો પણ બંધ કરવાની ચીમકી આપવામાં આવતા રહેવાસીઓમાં ચિંતા અને અસંતોષ ફેલાયો હતો.

આ મુદ્દે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. લોકોએ રજૂઆત કરી હતી કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે અચાનક પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરી દેવી અન્યાયપૂર્ણ કાર્યવાહી છે.

રહેવાસીઓની રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ લોકોને સમજાવટ કરી હતી અને બપોર સુધીમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત હાલ પૂરતી વીજળી બંધ નહીં કરવામાં આવે તેવી પણ બાંયધરી આપવામાં આવી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તેમની આર્થિક સ્થિતિ મજબૂત હોત તો તેઓ નવા મકાનોમાં સ્થળાંતર કરી શકતા. પરંતુ ગરીબ પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ જીવના જોખમે આ જર્જરીત મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઉસિંગ બોર્ડની ઇમારતો જર્જરીત હાલતમાં છે. સ્થાનિકો અને સામાજિક આગેવાનોનું માનવું છે કે સરકાર દ્વારા સમયસર રિનોવેશન અને પુનઃવિકાસની કામગીરી હાથ ધરવામાં આવે તો લાખો લોકોના જીવ પર રહેલું જોખમ ઘટાડી શકાય. લોકોનું કહેવું છે કે સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે પાણી અને વીજળી જેવી સુવિધાઓ બંધ કરીને રહેવાસીઓને હેરાન કરવું યોગ્ય નથી.

આ પણ વાંચો:Nepalમાં Gen-Z હવે નારાજ! સ્ટારથી વિલન બન્યા Balen shah? 

Read More

Trending Video