Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ, આજે અમદાવાદ સહીત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

June 27, 2024

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકાઓમાં વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સાવ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કોડીનારમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગોંડલ અને જૂનાગઢમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે સૌથી વધુ મોરબીના ટંકારામાં વરસાદ વરસ્યો હતો. હળવદ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ભાવનગરમાં વરસાદની શરૂઆત

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાની સવારી ભાવનગર પહોંચી છે. અને ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે વાદળછાયા વાતાવરણ બાદ પણ વરસાદ ન વરસતા ભારે બફારાથી લોકો અકળાય ઉઠ્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લાના અનેક તાલુકામાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે.

જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

જામનગરમાં એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી. કાલાવડ શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો, વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં હતા. કાલાવડ તાલુકાના પીપર, ભગત ખીજડિયા, નાના વાડલા, શીશાંગ, નિકાવા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગામડાઓમાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદ પડતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

ઉત્તર ગુજરાતમાં પણ હવે મેઘરાજાએ બેટીંગ શરુ કરી છે. યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સાથે જ આજે સવારે પણ અંબાજીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમબાજીમાં ગઈકાલે અને આજે પણ પણ વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અંબાજીમાં કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસામા પાણી ભરાયા હતા. સાથે જ નીચાણવારા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને નુકશાની થવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain

હવામાન વિભાગે 27 જૂને ગુજરાતના બનાસકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. 28 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 29 જૂને ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 30 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોRain Forecast : UPથી લઈને ગુજરાત સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, કેન્દ્રીય હવામાન વિભાગે શું કરી આગાહી ?

Read More

Trending Video