Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

June 28, 2024

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. ત્યારે આજે રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદની શરૂઆત

છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સાથે જ ખુબ વધારે બફારા વચ્ચે અમદાવાદવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અત્યારે અમદાવાદ પર મેઘરાજા મેહરબાન થયા છે. અને અમદાવાદમાં ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઇવે, ગોતા, નહેરુનગર, જોધપુર ગામ, બોડકદેવમાં ધોધમાર વરસી રહ્યો છે.

અમરેલીમાં જામ્યો વરસાદી માહોલ

અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર ચાલી રહી છે. અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ અમરેલીમાં સારો વરસાદ પડી રહ્યો છે. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાંભાના નાનુડી, ભાડ, વાકિયા, નાના વિસાવદર સહીતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીર પંથકમાં આગોતરું વાવેતર કરનાર મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું છે.

અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના લાઠી, સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા બાદ બાબરા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબરાના જામ બરવાળા, દરેડ, ખાખરીયા, કોટડા, લાઠીના શેખપીપરીયા સહિતના વિસ્તારમાં મેઘમહેર થઇ રહી છે. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલીમાં NDRFની ટીમ પહોંચી હતી. ચોમાસામાં પૂર સહિત આફતની પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર પહેલાથી જ તૈયાર જોવા મળી રહ્યું છે. સાથે જ વડોદરાથી NDRFની એક ટીમ અમરેલીમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનોથી NDRFની સ્ટેન્ડ બાય પર રહેશે.

રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદ

રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. જેમાં આણંદ, બોટાદ, તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, નિઝર, વાલોડ, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારીમાં પણ બે તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ સુરતમાં પહેલા જ વરસાદે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે એટલે કે 28 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 29 જૂને ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 30 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોAhmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

Read More

Trending Video