Gujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મેઘકહેર…પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે

July 19, 2024

Gujarat Rain : ગુજરાતમાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. ગઈકાલે ગુજરાતમાં શરુ થયેલ વરસાદ બાદ આજે તે વરસાદ (Gujarat Rain) યથાવત રહ્યો હતો. આજે સૌરાષ્ટ્ર (Saurashtra) પણ જાણે મેઘમહેર આજે મેઘકહેર બનીને વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ (Junagadh), દ્વારકા (Dwarka), અને પોરબંદર (Porbandar) પાણી પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. જિલ્લાઓના ગ્રામ્ય પંથકમાં તો રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના કારણે કેટલાયે ગામો સંપર્કવિહોણા બન્યા છે. દ્વારકામાં તો સાડા 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

પોરબંદરમાં આકાશી આફત

પોરબંદરમાં ગઈકાલથી શરુ થયેલ વરસાદ આજે આકાશી આફતમાં પરિવર્તિત થઇ ગયો હતો. ગઈકાલે શરુ થયેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં તો વરસાદે ભારે તારાજી સર્જી છે. પોરબંદર શહેરમા પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ગઈકાલથી અત્યારસુધીમાં 22 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. અને હજુ પણ મેઘરાજાની બેટિંગ ચાલુ છે. સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. 1983 બાદ અત્યારે એટલે કે 2024માં સુદામા નગરીમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. વરસાદી પાણીમાં વાહનો અને પશુઓ પણ તણાયા હતા. અત્યારે પોરબંદરમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

જૂનાગઢમાં મેઘમહેર બની મેઘકહેર

જૂનાગઢમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે આજે જૂનાગઢ શહેર સહીત તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના કેશોદમાં તો મેઘતાંડવથી હાહાકાર મચી ગયો છે. આજે વંથલી પંથકમાં તો ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા. સાથે જ ઘેડ પંથક પાસે ઓઝટ નદીનો પાળીયો તૂટતાં ખેતરોમાં પાણી ઘુસી ગયા છે. ઘેડ પંથકના ઘણા ગામો બેટમાં ફેરવાયા હતા. ગિરનાર પર્વત ઉપર ભારે મેઘમહેરના કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

દ્વારકામાં ભારે વરસાદથી પાણી પાણી

દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી હતી. દ્વારકાના અનેક સ્થળોએ રસ્તાઓ નદી બન્યા છે. તો ખેતરો જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ઘી અને સિંહણ ડેમમાં વિપુલ માત્રામાં નવા પાણી આવ્યાં છે. સાંજે કલ્યાણપુરમાં અઢી ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જયારે દ્વારકામાં હાલ જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે. અને અત્યાર સુધીમાં સાડા 10 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં વરસાદ પડતા ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયૉ હતો. જયારે ખંભાળીયાની જીવાદોરી સમાન ઘી ડેમમાં નવા નીરની આવક શરુ થઇ હતી.

આ પણ વાંચોMicrosoft Server : માઈક્રોસોફ્ટ સર્વર વિશ્વભરમાં ડાઉન, જાણો ભારતમાં કઈ વસ્તુઓને અસર થઈ

Read More

Trending Video