Gujarat Rain : ગુજરાતમાં ભારે મેઘકહેર, સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની કરી આગાહી

July 2, 2024

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat Rain)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે (Weather Department) આગાહી પણ કરી છે. હવામાન વિભાગની આગાહી (Rain Forecast)ને જાણે ગુજરાતમાં સાચી પડી રહી હોય તેમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર અને આજે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

વલસાડમાં પડી રહેલા વરસાદને લઈને આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ તેમજ ITIના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરી છે. જ્યારે બોર્ડની પૂરક પરીક્ષા ચાલુ રહેશે તેમ ટ્વીટ કરી જણાવવામાં આવ્યું છે. વલસાડમાં ભારે પૂરના કારણે બે મુખ્ય અંડરપાસ બંધ થઈ ગયા છે, શહેરમાં આજે સવારે માત્ર બે કલાકમાં 3.45 ઈંચ વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વાલોડ પંથકમાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વાલોડ ના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલા ધરાશાયી થયા હતા. ચોમાસા દરમ્યાન પડેલ વરસાદે તાપી જિલ્લા ડિજીવીસીએલ ની પ્રિમોન્સૂન ની કામગીરી ઉઘાડી પાડી છે.

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે ભારે પવનને કારણે ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપોર, ઇચ્છાપોર સહિતના ગામોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપોર, ઇચ્છાપોર સહિતના ગામોમાં વીજ પોલ તેમજ 20થી વધુ કાચા મકાનના છાપરા ઉડ્યા હતા. 20 થી વધુ કાચા મકાનના પતરા ઉડતા લોકોના ઘરમાં વરસાદનું પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મેઘકહેર

જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે તો હવે જૂનાગઢમાં મેઘમહેર હવે મેઘકહેરમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું હતું. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. જૂનાગઢના દામોદર કુંડમાં પાણીની આવકમાં વધારો થતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. જેથી લોકોના જીવ તાળવે ચોટ્યાં હતા.

Gujarat Rain

અમરેલીમાં ગીર જંગલમાં આવેલ યાત્રાધામ તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ચોમાસાની શરૂઆત થતા જ ગાંડી ગીર સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદનાં કારણે લીલીછમ વનરાઈના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગીરનાં નેસડાઓમાં વરસાદ વરસતા ચારે કોર નદીઓ ખળખળ વહેતી થઈ છે. નેસડાના માલધારીમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Gujarat Rain

રાજ્યમાં વરસાદને લઈને આગાહી

25 જિલ્લામાં ભારે તો 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચોRahul Gandhi : રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમદાવાદમાં હોબાળો, બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ હેડક્વાર્ટર પર લગાવ્યા પોસ્ટર 

Read More

Trending Video