Gujarat Rain Forecast : ગુજરાતમાં( Gujarat) હાલ વરસાદ (Rain) વિરામ લેવાનો હોય તેવું લાગી રહ્યું છે કેમકે હાલ ક્યાંય અતિભારે વરસાદ વરસી રહ્યો નથી પરંતુ હવે ગુજરાતમાં ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 8 અને 9 ઓગસ્ટે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્તા છે. જેમાં આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે. માછીમારોને આગામી પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે.
આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે , દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ છે તે થોડો એક્ટિવ થઇ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 8મી ઓગસ્ટના દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.જ્યારે 9મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે.આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.